શાજાપુર : મધ્યપ્રદેશના શાજાપુરમાં રેલવે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં એક ગુડસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી અને બે ભાગમાં વિભાજીત થઈ ગઈ હતી. જોકે, આ અકસ્માતને કારણે આ રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. શનિવારે શાજાપુર જિલ્લાના માકસી રેલ્વે સ્ટેશન નજીક એક માલગાડી અચાનક નિયંત્રણ બહાર ગઈ અને પાટા પરથી ઉતરી ગઈ. આ માલગાડી ઉજ્જૈનથી ગુના જઈ રહી હતી. આ અકસ્માતમાં માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેના કારણે ટ્રેન બે ભાગમાં વિભાજીત થઈ ગઈ.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતનું પ્રાથમિક કારણ તૂટેલા રેલ્વે ટ્રેક હોવાનું માનવામાં આવે છે. પાટા તૂટતાની સાથે જ માલગાડીએ સંતુલન ગુમાવ્યું અને ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઇ.
અકસ્માતને કારણે રેલવે કામગીરી અસ્થાયી રૂપે પ્રભાવિત
હાલ રેલ્વે ટ્રેકના સમારકામનું કામ ચાલુ છે. ઘટનાની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ ઘટના અંગે સ્પષ્ટ અને સત્તાવાર માહિતી આપવાનું ટાળ્યું હતું. અકસ્માતને કારણે રેલવે કામગીરી અસ્થાયી રૂપે પ્રભાવિત થઈ હતી. પરંતુ ધીમે ધીમે તેને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે.
પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતનું કારણ ટ્રેકમાં ખામી
આ અકસ્માતની ટેકનિકલ ટીમ તપાસ કરી રહી છે. સ્ટેશન મેનેજર મુકેશ જૈને જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતનું કારણ ટ્રેકમાં ખામી હોઈ શકે છે. ઉજ્જૈનથી એક રેલવે ટેકનિકલ ટીમ વિગતવાર તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે. તેમજ તપાસ રિપોર્ટ આવ્યા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.