Tue Jan 27 2026

Logo

White Logo

હડકવાનો ખૌફ: અમદાવાદમાં પાલતુ બિલાડીનું રજિસ્ટ્રેશન અને કૂતરાની રસી ફરજિયાત બનશે

3 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ શહેરમાં હડકવાના કારણે પાલતુ કૂતરાના બે માલિકોના કરૂણ મોતથી ફરીથી પ્રાણીઓની સુરક્ષા અને જાહેર આરોગ્ય અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. જેના પ્રતિસાદરૂપે, અમદાવાદ-મ્યુનિસિપલ કોર્પોરેશન પાલતુ કૂતરાના માલિકો માટે એન્ટી રેબીઝ રસીકરણ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત શહેરમાંપ બાલતુ બિલાડીઓનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરવાનું વિચારી રહ્યું છે. સૂત્રોએ કહ્યું કે, થોડા દિવસમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ પ્રસ્તાવ મૂકવામાં આવશે.

સૂત્રો મુજબ, લોકો હવે માત્ર કૂતરા જ નહીં પરંતુ વિવિધ જાતિની બિલાડીઓ પણ પાળે છે. બિલાડીઓમાં પણ હડકવા હોઈ શકે છે. પાલતુ કૂતરાના માલિકોએ જીવ ગુમાવ્યો હોવાની તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં પાલતુ કૂતરાના માલિકો માટે એન્ટી રેબીઝ રસીકરણ ફરજિયાત રહેશે. બિલાડીઓની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી શકે છે.
 
 
હડકવાને કારણે થયેલા મોતના કિસ્સા
હડકવા નિવારણ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાનું કારણ ગાંધીનગરની એક જાણીતી શાળા સાથે સંકળાયેલી મહિલાનું મૃત્યુ છે, જે નિવૃત્ત IAS અધિકારીની પરિણીત પુત્રી હતી. શાળાના સ્ટાફ મેમ્બરના કૂતરા સાથે રમતી વખતે તેને કૂતરાએ બચકું ભર્યું હતું. તેની પાસે ઘરે પણ પાલતુ કૂતરો હોવાથી, તેણે આ ઘટનાને સામાન્ય માનીને રસી લીધી ન હતી, જે પાછળથી જીવલેણ સાબિત થઈ હતી. આ અગાઉ, સપ્ટેમ્બર 2025 માં, અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં તૈનાત પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ મંજરીયાનું તેમના જ પાલતુ કૂતરાના પંજાથી થયેલા ઉઝરડા બાદ ગંભીર ચેપ લાગતા મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત, શહેરના વિવિધ ભાગોમાં પાલતુ કૂતરાઓ દ્વારા લોકો પર હુમલો કરવાની ત્રણ ગંભીર ઘટનાઓએ પણ ચિંતામાં વધારો કર્યો છે. દરમિયાન, AMC એ પાલતુ કૂતરાઓની નોંધણી માટેની સમયમર્યાદા લંબાવી છે, પરંતુ હવે માલિકોએ નોંધણી ફી તરીકે ₹૨,૦૦૦ ચૂકવવા પડશે.

કેટલા કૂતરાઓની નોંધણી થઈ
શહેરમાં અત્યાર સુધીમાં 16726 માલિકોએ સત્તાવાર રીતે 19029 પાલતુ કૂતરાઓની નોંધણી કરાવી છે. જેમાં વેસ્ટ ઝોનમાં 4808 કૂતરાઓની નોંધણી થઈ છે. જેમાં મુખ્યત્વે જર્મન શેફર્ડ, લેબ્રાડોર અને સાઇબેરીયન હસ્કી છે. જ્યારે નોર્થ વેસ્ટ ઝોનમાં 3905 કૂતરાઓનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં પોમેરેનિયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર અને ગોલ્ડન રીટ્રીવરની સંખ્યા વધારે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે હડકવા 100 ટકા અટકાવી શકાય તેવો છે, પરંતુ એકવાર લક્ષણો દેખાય પછી તે 100 ટકા જીવલેણ છે. પાલતુ પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા સામાન્ય બચકાં કે ઉઝરડાને પણ ક્યારેય અવગણવા જોઈએ નહીં.