Wed May 13 2026

Logo

કાંદાના ભાવ ગબડ્યાં: નાશિકમાં ખેડૂતોનો ભારે રોષ, APMC વિસર્જિત કરવાની માંગ

2026-05-12 19:52:05
Author: Mumbai Samachar Team
Article Image

નાશિકઃ કાંદાના ભાવમાં ઘટાડો થતાં મંગળવારે એક ખેડૂત સંગઠને મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં નંદગાંવ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (એપીએમસી)નું તાત્કાલિક વિસર્જન કરવાની માંગ કરી હતી અને તેના હરાજી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો.

સોમવારે ખેડૂતોએ નાંદગાંવ એપીએમસી પરિસરની બહાર ટ્રેક્ટર ભરેલી ડુંગળી ફેંકી દીધી હતી અને વહીવટીતંત્ર અને વેપારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે નાશિક જિલ્લાના ઘણા માર્કેટ યાર્ડમાં જથ્થાબંધ કાંદાના ભાવ ગબડી રહ્યા છે, જેના કારણે ખેડૂતો કાચા માલ અને પરિવહન ખર્ચ પણ કાઢી શકતા નથી.

વેપારીઓ અને ખેડૂતોના જણાવ્યા મુજબ ઘણી એપીએમસીમાં સરેરાશ ગુણવત્તાવાળી ડુંગળી હાલમાં 800થી 1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહી છે, જ્યારે કેટલીક નાની જાતો એકથી 4 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આજે એક નિવેદનમાં મહારાષ્ટ્ર રાજ્ય ડુંગળી ઉત્પાદક સંગઠને બજાર સમિતિ પર 'નિષ્ક્રિય' રહેવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે તેમણે હાથ ખંખેરી દીધા હતા.

નાંદગાંવ બજાર સમિતિ હાલમાં ફક્ત કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. કામગીરી પર બિલકુલ કોઈ વહીવટી નિયંત્રણ નથી અને ચેરમેન ક્યાંય જોવા મળતા નથી. અહીં સંપૂર્ણ અરાજકતાની સ્થિતિ છે, અધિકારીઓ ખેડૂતોની દુર્દશા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે, એસોસિએશને દાવો કર્યો હતો.

કૃષિ પેદાશોની હરાજીની સુવિધા આપવામાં બજાર સમિતિની અસમર્થતા દર્શાવે છે કે બોર્ડ તેની પ્રાથમિક જવાબદારીમાં નિષ્ફળ ગયું છે, એવો દાવો પણ તેમણે કર્યો હતો. બજાર સમિતિમાં સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો એસોસિએશને ઉગ્ર વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપી હતી.
(પીટીઆઈ)