Wed Jun 10 2026

Logo

NTA પાસ કે ફેલ? 9 વર્ષમાં 25થી વધુ પરીક્ષા રદ, કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર

2026-05-12 18:06:49
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર પેપરલીકની ઘટનાએ ફરી એકવખત ચર્ચા જગાવી છે અને આ મુદ્દે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. ગત 3 મે 2026ના આયોજિત થયેલી NEET UG 2026ની પરીક્ષા ભારત સરકારની મંજૂરી બાદ હવે સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. 

વર્ષ 2017માં પારદર્શક પરીક્ષાઓના ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલી આ સંસ્થા હવે પેપર લીક અને ગેરરીતિઓનું કેન્દ્ર બની ગઈ હોય તેમ જણાય છે. શિક્ષણ મંત્રાલયના ડેટા મુજબ, 2018થી 2024 સુધીમાં NTAએ 16 મોટી પરીક્ષાઓ રદ કરી છે, અને હવે NEET UG 2026ના પેપર કેન્સલ થવાથી શું આ સંસ્થાની મથરાવટી જ મેલી હોવાના ગંભીર સવાલો ઊભા થયા છે, જ્યારે કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ દાવ પર લાગ્યું હોવાનું જમાવ્યું હતું.

પરીક્ષાના પેપર લાખો રુપિયામાં વેચાયા
આ વખતે પરીક્ષા રદ કરવાનું મુખ્ય કારણ રાજસ્થાનમાં સામે આવેલું મોટું પેપર લીક કૌભાંડ છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પરીક્ષાના 'ગેસ પેપર' લાખો રૂપિયામાં વેચાયા હતા, જેના 140 પ્રશ્નો અસલી પેપર સાથે મળતા આવતા હતા. 7 મેના રોજ આ અનિયમિતતાની જાણ થયા બાદ NTAએ સ્વીકાર્યું કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયાને આગળ વધારી શકાય તેમ નથી. પરિણામે, કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી દીધી છે.

પરીક્ષા આપનારા વિદ્યાર્થીની સંખ્યા ઘટી
NTAનો ઇતિહાસ જોતા જણાય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પરીક્ષાઓમાં ગરબડ એક પેટર્ન બની ગઈ છે. જૂન 2024માં UGC-NET રદ કરવી પડી હતી, તો 2025માં JEE Mainની આન્સર-કીમાં અનેક ખામીઓ જોવા મળી હતી. આ સતત નિષ્ફળતાઓને કારણે પરીક્ષાર્થીઓના ભરોસામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023માં 1.33 કરોડ નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2024માં ઘટીને માત્ર 85.78 લાખ રહી ગઈ હતી. એજન્સી દ્વારા આધુનિક AI ટેકનોલોજી અને બાયોમેટ્રિક વેરિફિકેશનના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં પેપર લીક અટકાવવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે.

23 લાખ વિદ્યાર્થીઓ મૂકાયા મુશ્કેલીમાં
પરીક્ષા રદ થતા અંદાજે 23 લાખ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જોકે NTAએ વિદ્યાર્થીઓને થોડી રાહત આપવાની જાહેરાત કરી છે. ફરીથી લેવામાં આવનાર પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ કોઈ નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં અને કોઈ વધારાની ફી પણ ચૂકવવી પડશે નહીં. જૂના ડેટાના આધારે જ પરીક્ષા લેવામાં આવશે, જેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ન્યાયતંત્ર પણ અગાઉ અનેકવાર NTAની કાર્યપ્રણાલી પર આકરી ફટકાર લગાવી ચૂક્યું છે, છતાં પણ સુધારો ન આવતા વિપક્ષ અને વિદ્યાર્થી સંગઠનો હવે સંસ્થાના નેતૃત્વ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ હજારો લોકોએ સમગ્ર સિસ્ટમને વખોડી નાખી હતી અને વહીવટીતંત્રની ઝાટકણી કાઢી હતી.