Fri Sep 04 2026

Logo

કચ્છની સદીઓ જૂની કોપર બેલ કલાને મળ્યો જી.આઇ ટેગ: વૈશ્વિક બજારમાં ગુંજશે કચ્છી રણકાર

2026-05-13 14:23:00
Author: Mumbai Samachar Team
કચ્છની સદીઓ જૂની કોપર બેલ કલાને મળ્યો જી.આઇ ટેગ: વૈશ્વિક બજારમાં ગુંજશે કચ્છી રણકાર

ભુજ: ભાતીગળ પ્રદેશ કચ્છની વિશ્વવિખ્યાત હસ્તકલાના ખજાનામાં વધુ એક કિંમતી રત્ન ઉમેરાયું છે. કચ્છની પરંપરાગત ‘કોપર બેલ’ (તાંબાની ઘંટડી) હસ્તકલાને ભૌગોલિક ઓળખ એટલે કે જી.આઈ ટેગ એટલે કે, જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ  મળતા સ્થાનિક કારીગરોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે. આ વૈશ્વિક માન્યતાને કારણે હવે કચ્છી ઘંટડીઓ વિદેશી બજારોમાં પોતાની આગવી ઓળખ સાથે વેચાશે.

કચ્છનું ઝુરા ગામ આ કલાનું મુખ્ય કેન્દ્ર છે. અહીંના કુશળ કારીગરો લોખંડના નકામા ભંગારને ટીપી-ટીપીને કલાત્મક ઘંટડીઓ તૈયાર કરે છે. ઘંટડીનું માળખું તૈયાર કર્યા બાદ તેના પર તાંબા કે પિત્તળનું પડ ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ભઠ્ઠીમાં તપાવી આખરી ઓપ અપાય છે. કોઈ પણ જાતની મશીનરી વિના કુશળ કારીગરો માત્ર પોતાની કોઠાસૂઝથી આ ઘંટડીઓમાં એવો મધુર રણકાર પેદા કરે છે જે આજે વિશ્વભરના સંગીત અને કલા પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.

એક સમયે આ ઘંટડીઓનો ઉપયોગ માત્ર માલધારીઓ પોતાના પશુઓના ગળામાં બાંધવા માટે કરતા હતા, જેથી સીમમાં ચરતા પશુઓનું લોકેશન જાણી શકાય. પરંતુ આજે સમય બદલાયો છે. હવે ૧ થી ૧૪ નંબરની વિવિધ સાઈઝમાં ઉપલબ્ધ આ ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોના આલીશાન ઘરોમાં ડેકોરેટિવ આઈટમ અને 'વિન્ડ ચાઈમ્સ' તરીકે શોભા વધારી રહી છે. જી.આઈ ટેગ મળ્યા બાદ ૫૦૦થી વધુ નવી આધુનિક ડિઝાઈન્સની માંગ વિદેશોમાં વધી છે.

રાજ્ય સરકારની ‘ગરવી ગુર્જરી’ સંસ્થા, વર્કશોપ અને વિવિધ લોન યોજનાઓએ આ લુપ્ત થતી કલાને પુનર્જીવિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આ કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળતા ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો છે અને નવી પેઢીના કારીગરો પણ આ વ્યવસાય તરફ આકર્ષાયા છે.

જીઆઈ ટેગ મળવાને કારણે હવે આ કલાના નામે થતી નકલી બનાવટો પર રોક લાગશે અને કચ્છના અસલી કારીગરોને તેમના પરસેવાની સાચી કિંમત અને સન્માન મળી રહેશે.

(ઉત્સવ વૈદ્ય)