Wed May 13 2026

Logo

સોનાની આયાત જકાતમાં વધારાથી દુબઈથી આયાત વધવાની શક્યતાઃ જીટીઆરઆઈ

2026-05-13 20:19:00
Author: Ramesh Gohil
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ સરકારે સોના પરની આયાત જકાત જે છ ટકા હતી તે નોંધપાત્ર સ્તરે વધારીને 15 ટકા કરી હોવાથી મુક્ત વેપાર કરાર હેઠળ દુબઈથી આયાતમાં વધારો થવાની શક્યતા થિન્ક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ (જીટીઆરઆઈ)એ વ્યક્ત કરી હતી. ડ્યૂટીમાં વધારાને કારણે કિંમતી ધાતુઓની આયાતનાં રૂટ અથવા તો માર્ગના અર્થતંત્રમાં ફેરફાર લાવશે અને ખાસ કરીને યુનાઈટેડ આરબ અમિરાત સાથેનાં ઈન્ડિયા-યુએઈ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ) મારફતે થશે.

ભારતે દુબઈથી ટૅરિફ રેટ ક્વૉટા (ટીઆરક્યુ) મારફતે દુબઈને મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)ના દરજ્જાના દર કરતાં એક ટકા ઓછી ટૅરિફ સાથે સોનાની આયાત કરવાની મંજૂરી આપી હતી. વર્ષ 2022માં ટીઆરક્યુ હેઠળ 120 ટન સોનાની આયાતનો ક્વૉટા મંજૂર કરવામાં આવ્યો હતો, જે વર્ષ 2027 સુધીમાં વધારીને દેશની કુલ આયાતના એક ચતુર્થાંશ અથવા તો  200 ટન સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. 

નવા મોસ્ટ ફેવર્ડ નેશનના ટેરિફના માળખામાં અસરકારક જકાતના દર 15 ટકા સુધીના છે. આમ યુએઈથી થતી આયાત સામે 14 ટકા જકાત થશે. આમ ટૅરિફનાં દરમાં તફાવત વધતાં સોના અને ચાંદીની આયાતના સમીકરણો પણ બદલાશે, એમ જીટીઆરઆઈએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સીઈપીએ હેઠળ ભારત ચાંદી પરની આયાત જકાત જે 10 ટકા છેે તે વર્ષ 2022થી લઈને 10 વર્ષના સમયગાળામાં શૂન્ય ટકાના સ્તર સુધી લઈ જવા માટે પણ સંમત થયું હતું.

તેમ જ હાલમાં યુએઈથી ચાંદીની આયાત સામે ડ્યૂટીના રાહતના દર સાત ટકા છે. હવે ભારતે ચાંદીની આયાત સામેના ટૅરિફના દર 15 ટકા નિર્ધરિત કર્યા હોવાથી ડ્યૂટી તફાવત આઠ ટકા થઈ દુબઈથી આયાત કરીને આર્બિટ્રેજની તક ખૂલી છે. અને વર્ષ 2031 સુધી શૂન્ય ટકા ટૅરિફ થશે ત્યાં સુધી પ્રત્યેક વર્ષે ડ્યૂટી તફાવત વધતો જશે, એમ જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું. 

વધુમાં જીટીઆરઆઈએ નાણાં મંત્રાલયને અનુરોધ કરીને નોટિફિકેશનમાં અટપટી નહીં, પરંતુ સરળ ભાષાનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે નોટિફિકેશનની ભાષા સમજવી બહુ મુશ્કેલ થઈ રહી છે. હાલના નોટિફિકેશનના માળખામાં આયાતકારો, વકીલો, સલાહકારો વગેરેએ ઘણી વખત 26 વર્ષ જૂના નોટિફિકેશનોનો રેફરન્સ લેવો પડે છે. તેમ જ હાલની અસરકારક જકાત માટે પણ અગાઉના વર્ષોમાં થયેલા સુધારા અને ફેરફારોને પણ ધ્યાનમાં લેવા પડે છે.