બીજિંગઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દિવસની મહત્વપૂર્ણ મુલાકાત માટે ચીન પહોંચ્યા હતા. તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. અમેરિકા અને ચીન વચ્ચેની આ બેઠક સંબંધો, વેપાર, તાઇવાન, વૈશ્વિક સુરક્ષા અને આર્થિક તણાવ જેવા મુદ્દાઓ વચ્ચે થશે.
બીજિંગમાં ટ્રમ્પનું સ્વાગત ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે કર્યું હતુ. દરમિયાન ચીનમાં અમેરિકાના રાજદૂત પણ હાજર રહ્યા હતા. 2017 પછી ટ્રમ્પની ચીનની આ પહેલી સત્તાવાર રાજકીય મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે ઓક્ટોબરમાં દક્ષિણ કોરિયાના બુસાનમાં થઈ હતી. ટ્રમ્પની મુલાકાત પહેલાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્થિરતા માટે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય નેતૃત્વ-સ્તરની વાટાઘાટો મહત્વપૂર્ણ છે.
ટ્રમ્પ સાથે અમેરિકાની ટોચની કંપનીઓના સીઈઓ પણ ચીન પહોંચ્યા છે. એરપોર્ટ પર 300 ચીની યુવાનોએ એક સાથે ચીની અને અમેરિકન ધ્વજ લહેરાવ્યા હતા. એરપોર્ટ આસપાસની ઈમારતોને અમેરિકન અને ચીની રાષ્ટ્રધ્વજથી શણગારવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુરુવારે શી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. અમેરિકાના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ રવિવારે જણાવ્યું હતું કે અમેરિકા આ વર્ષના અંતમાં ચીની નેતાની અમેરિકાની મુલાકાતની યોજના બનાવી રહ્યું છે. ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ વચ્ચેની બેઠક વેપાર અને ટેરિફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી, તાઇવાન અને તાઇપેઈ, ઈરાન અને પશ્ચિમ એશિયામાં અમેરિકાના શસ્ત્રોના વેચાણ અને રેયર અર્થ અને સપ્લાય ચેઇન પર કેન્દ્રિત હશે.
ચીન જતા પહેલા ટ્રમ્પે વોશિંગ્ટનમાં મીડિયાને જણાવ્યું હતું કે તેઓ શી સાથે વેપાર વિશે વધુ વાત કરશે. તેઓ વધુ અમેરિકન ફૂડ અને વિમાન ખરીદવા માટે ચીન સાથે વધુ સોદા કરવા માંગે છે. બંને દેશો વચ્ચેના મતભેદોને દૂર કરવા માટે ચીન સાથે ટ્રેડ બોર્ડની સ્થાપના કરવાની પણ યોજના ધરાવે છે.
ટ્રમ્પ સાથે ટેસ્લાના વડા એલન મસ્ક અને એપલના સીઈઓ ટિમ કૂક સહિત અનેક ટોચના સીઈઓ છે. ચીનના વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે તે ટ્રમ્પની મુલાકાતનું સ્વાગત કરે છે અને ચીન અમેરિકા સાથે સહયોગ વધારવા અને મતભેદોને ઉકેલવા માટે આતુર છે.