Wed May 13 2026

Logo

મણીપુરમાં ચર્ચના ત્રણ નેતાઓની હત્યાથી ચકચાર, જિલ્લામાં ભારેલા અગ્નિ જેવા માહોલથી ફફડાટ

2026-05-13 21:33:57
Author: Mumbai Samachar Team
Article Image

ચુરાચાંદપુરઃ મણીપુરમાં બુધવારે અચાનક થયેલા હુમલામાં ચર્ચ સાથે જોડાયેલા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. હુમલાખોરોએ કાર પર હુમલો કર્યો હતો, આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે તેઓ પોતાના સાથી સાથે ચુરાચાંદપુરથી કાંગપોકપી જઈ રહ્યા હતા. આ હુમલામાં અન્ય કેટલાક લોકોને પણ ઈજા પહોંચી હોવાના વાવડ છે. મૃતકોની ઓળખ રેવરેંડી વી સિટલહો, રેવરેંજ કાઈગૌલેન અને પાસ્ટર પાઓગૌલેન તરીકે થઈ છે. આ તમામ વ્યક્તિઓ થાદૌ બૈપટિસ્ટ એસો. સાથે જોડાયેલા હતા.

કાર પર હુમલો કરાયો
એવું પણ જાણવા મળ્યું છે કે, ચુરાચાંદપુરમાં ચર્ચના નેતાઓની એક  બેઠક બાદ કાંગપોકપી પરત તેઓ આવી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો કાંગપોકપીમાં કોટજીમ અને કોટલેનની વચ્ચેના વિસ્તારમાં થયો છે. ચર્ચના નેતાઓ કારમાં જઈ રહ્યા હતા એ સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો.અધિકારીએ ત્યાં સુધી કહ્યું કે, આ હુમલો કોઈ ઉગ્રવાદી ગ્રૂપે કર્યો હોય એવું લાગે છે પણ સમગ્ર કેસની તપાસ હજુ ચાલું છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે મણીપુરમાં મેતઈ અને કુકી સમુદાય વચ્ચે છેલ્લા 3 વર્ષથી ઘર્ષણ ચાલી રહ્યું છે. આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનાથી કુકી અને તાંગખુલ નાગા સમુદાય વચ્ચે પણ માહોલ તણાવગ્રસ્ત છે. 

વાતાવરણ ભારેલા અગ્નિ સમાન
આ માથાકુટ ઉખરૂલ જિલ્લાથી શરૂ થઈ હતી એ સમયથી અત્યાર સુધી વાતાવરણ ભારેલા અગ્નિ સમાન છે. મૃતકોમાં વુમથાંગ સિટલહોઉ પહેલા મણીપુર બૈપટિસ્ટ ક્વેંશનના મહાસચિવ તરીકે રહી ચૂક્યા હતા. કાંપોકપી સ્થિક કમિટી ઓન ટ્રાઈબલ યુનિટીના નેતા થાંગટિનલેન હાઓકિપે કહ્યું કે, તાજેતરમાં કોહિમામાં કુકી અને નાગા સમુદાય વચ્ચે તણાવગ્રસ્ત માહોલને ઓછો કરવા સમજૂતી બેઠક માટે એક પહેલ કરવામાં આવી હતી. કુકી ઈન્પી મણીપુરે આ વિષયને લઈને નિવેદન આપ્યું હતું કે, બેઠક દરમિયાન બન્ને સમુદાયના ઈસાઈ નેતાઓએ વધી રહેલા તણાવગ્રસ્ત માહોલ વચ્ચે શાંતિ, સહ અસ્તિત્વ, સંયમ અને વાતચીતને આગળ વધારવા એકમાત્ર રસ્તો માન્યો હતો.  એક સમુદાય માટે આ દિલ તોડનારૂ અને ગુસ્સો અપાવે એવું પગલું હતું. 

સરકારનું કોઈ નિવેદન નહીં
સશસ્ત્ર નાગા જૂથ, ઝેલિયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટની સંડોવણીનો આરોપ લગાવતા, નિવેદનમાં ભાર મૂકીને  કહેવામાં આવ્યું છે કે, આજે નિઃશસ્ત્ર ચર્ચ નેતાઓ અને નાગરિકો પર કરવામાં આવેલ આ ઘૃણાસ્પદ હુમલો શાંતિની ભાવના પર સીધો હુમલો છે. કુકી ઇન્પી આવા ઘૃણાસ્પદ અને કાયર હુમલા પાછળના હેતુ અને સમય પર પ્રશ્ન ઉઠાવે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ચર્ચના નેતાઓ અને નાગરિક સમાજ સંગઠનો દ્વારા પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવા,સમુદાયો વચ્ચે સુમેળ પુનઃસ્થાપિત કરવાના હેતુથી વાસ્તવિક શાંતિ પહેલ તથા સંવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું.જોકે, મણિપુર સરકારે હજુ સુધી આ ઘટના પર સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી,પરંતુ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ જણાવ્યું હતું કે,મણિપુરમાં કુકી ચર્ચના નેતાઓની ક્રૂર હત્યાની હું સખત નિંદા કરું છું. નિર્દોષ લોકો સામે આવી બર્બર હિંસા અસ્વીકાર્ય છે અને કોઈપણ સભ્ય સમાજમાં તેનું કોઈ સ્થાન નથી. આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો અને ચર્ચ સમુદાય પ્રત્યે મારી સંવેદના છે.