(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો જોવા મળ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં પાંખાં કામકાજો વચ્ચે બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 821થી 824નો ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 241નો ધીમો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં મુખ્યત્વે વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 241ના સાધારણ સુધારા સાથે રૂ. 2,22,721ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકોની ચાંદીમાં નિરસ માગ રહી હતી. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 20 પૈસા સુધારો આવ્યો હોવાથી આયાત પડતરો ઘટવાથી હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 821 ઘટીને રૂ. 1,43,205 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 824 ઘટીને રૂ. 1,43,781ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં એક તબક્કે સોનાના ભાવમાં 0.6 ટકાનો ઘટાડો આવ્યા બાદ ક્રૂડતેલમાં પીછેહઠ નોંધાતા ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 4061.36 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને 4063.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ 1.3 ટકા વધીને આૈંસદીઠ 58.43 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ક્રૂડતેલના ભાવમાં ઘટાડા સાથે આજે સોનાના ભાવ નકારાત્મક ઝોનમાંથી સકારાત્મક ઝોનમાં આવ્યા હોવાનું યુબીએસનાં વિશ્લેષક જિઓવન્ની સ્ટૂનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર જાળવી રાખશે અને સોનાના ભાવને એકાદ મહિના સુધી ટેકો મળશે.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે હુથીએ રાતા સમુદ્રમાં સઉદી અરેબિયાના તેલના બે ટેન્કર પર હુમલો કર્યો હોવાના અહેવાલ સાથે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ સાત ટકા ઉછળીને બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા, પરંતુ આજે વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. અખાતી દેશો તરફથી ક્રૂડતેલનો પુરવઠો ખોરવાતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ક્રૂડતેલના ભાવ વધતા ફુગાવામાં થનારા અપેક્ષિત વધારાને નાથવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ હેઠળ સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે.
દરમિયાન ગઈકાલે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, આજે આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 80 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા.