(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં બાહ્યપ્રવાહ, વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવે બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવી હોવાના નિરુત્સાહી અહેવાલ છતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં ડૉલર સામે રૂપિયો 16 પૈસાના સુધારા સાથે 96.57ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.73ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 96.81ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.81 અને ઉપરમાં 96.30 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 16 પૈસાના સુધારા સાથે 96.57ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે હુથીએ રાતા સમુદ્રમાં સઉદી અરેબિયાના તેલના બે ટેન્કર પર હુમલો કર્યો હોવાના અહેવાલ સાથે ક્રૂડતેલના ભાવે 100 ડૉલરની સપાટી કુદાવતા ડૉલર સામે રૂપિયો 20 પૈસા નબળો પડ્યો હતો.
એકંદરે આજે વૈશ્વિક બજારોના પ્રતિકૂળ અહેવાલો છતાં રિઝર્વ બૅન્કે રૂપિયાના ધોવાણને ખાળવા માટે બજારમાં હસ્તક્ષેપ કર્યો હોવાના અહેવાલ તેમ જ અમુક જાહેર ક્ષેત્રની બૅન્કોએ ડૉલરમાં વેચાણ કર્યું હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી સપ્તાહે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળે તો રૂપિયાને સ્થિરિતામાં ટેકો મળશે.
વધુમાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાયેલું રહેશે. તેમ છતાં બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે વાટાઘાટોના કોઈ નિર્દેશ મળે તો રૂપિયામાં તીવ્ર સુધારો આવી શકે છે. અમારા મતે આગામી સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 96.30થી 96.85 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના વધ્યા મથાળેથી સાધારણ 0.06 ટકા ઘટીને 101.38 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધ્યા મથાળેથી 0.25 ટકા ઘટીને બેરલદીઠ 100.4 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 331.62 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 102.15 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2999.23 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.