- ડૉ. બળવંત જાની
મારી કિશોરાવસ્થાનું ખૂબ સાંભળેલુું અને ગમતીલું કંઠનિધિ રૂપ આ આભરણ આજસુધી સચવાયાનો અને આ સ્વાધ્યાયમાં ખપમાં લાગ્યોનો અપાર આનંદ છે એ વીશી રચના આસ્વાદીએ.
આઈ વિહળી આપો અભય, કરો સહાય,
વીશી ગાઈ નમું તુંને, વિઘન વાળવા વિહળી. ...1
એકે એકલ હુઈ, સદ્ધ લેવા સીતાની
વાળી સીતાવેલ, વિઘન વાળવા વિહળી. ...2
બીજે ગરવી બાય, જોગણી ગઈ જોગેશર કને
ઉગાર્યા તતધાય, વિઘન વાળવા વિહળી. ...3
ત્રીજે ર્ક્યો તાવ, લઈ ભારથ ને ભાંગિયો
માવોલ ગઢવીને કરી વાત, વિઘન વાળવા વિહળી. ...4
ચોથે સકર સાળવ્યા, ફડ દઈ દૈત્યને મારિયો
સોળી તું ભર સાંસ, વિઘન વાળવા વિહળી. ...પ
પાંચમે દીધો પગ, લઈ ભેંસાને ભાંગિયો
રમતા રેજો દિન-રાત, વિઘન વાળવા વિહળી. ...6
છઠ્ઠે ગળત સર્યા, લઈ સમરતથને સાળવ્યા
પુગી પડવું પૌસ, વિઘન વાળવા વિહળી. ...7
સાતમે સારું કરો સરરાય, વાંહો દઈ વઢયે,
સારણિયા રૂપ સધારા, વિઘન વાળવા વિહળી. ...8
હે માતા અમને નિર્ભય બનાવો. તમે સીતા એકલા હતા, કોઈ સાથે ન હતું પણ એની સહાય કરનારા તમે હતા એમ ભવસાગરમાં એકાકી એવા અમારા વિધ્નો પણ તમે ટાળજો. બીજાક્રમે તમને વિનવું છું કે હે ગરવા જોગણી તમે જોગેશ્વરોની પાસે જઈને એમને પણ ઉગાર્યા છે. એમના વિધ્નો ટાળ્યા છે. એમ અમારા વિધ્નો ટાળજો.
ત્રીજનો માહોલ ગઢવી સાથેનો ઉલ્લેખ સંદર્ભ સ્પષ્ટ થતો નથી. ચોથે એક ઝાટકે દૈત્યનો સંહાર કરીને તે શ્વાસ લીધેલો એમ અમારા વિધ્નો ટાળજો. પંચમી પગ મૂકીને એની નીચે ભેંસાને-અર્થાત્ મહિષાસૂરને મારેલો. તમે એમ અમારી આજુ બાજુ રમતા-લીલા કરતા રહેજો.
છઠ્ઠની તિથિએ ગળત-કષ્ટ સર્યા-દૂર થયા અને સમર્થ બનાવીને અમને સાચવવા તમે પુગ્યા-પહોંચ્યા છો. એમ અમારા વિધ્નો હરજો. સાતમી તિથિએ હે મા અમારું સારું કરજો. અમે તને વાંહો-શરીરનો પાછળનો ભાગ દેખાડીએ તો વઢજો. તારા સારરૂપ દર્શન નિત્ય કરતા રહીએ. અમારા વિધ્નો ગાળજો વિહતઆઈ. આઠમી તિથિએ હે માડી અમારો અહંકાર ગળી ગયો. અમે તમારા પગ-ચરણ પુજીએ છીએ. હે દેવી એમાં અમને અડગ રાખજો. વિધ્નો ટાળજો.