પપ્પાની અંદરનો પ્લેબોય જાગી ગયો. પેલીએ પોતાની જાળ પાથરવા માંડી...અને રેસ્ટોરન્ટસથી શરૂ થયેલું મળવાનું ધીમે ધીમે હોટેલના બેડ સુધી પહોંચી ગયું...
માવજી મહેશ્ર્વરી
તે પછીના થોડા સમયમાં જ મારી મમ્મી મને હંમેશ માટે છોડીને જતી રહી. પાણીના પ્રચંડ દબાણથી તળાવની પાળ તૂટે તેમ કોઈ અકથ્ય પીડા સોનલની આંખોમાંથી વહી નીકળી. સનત મુંઝાઈ ગયો સોનલ નાની બાળકીની જેમ ડૂસ્કાં ભરતી રહી. સોનલ ઊભી થઈને બાથરૂમમાં ચાલી ગઈ. બરાબર મોં ધોઈને પાછી આવી ત્યારે તે વરસીને સ્વચ્છ દેખાતા આકાશ જેવી લાગતી હતી.
‘મને સમજાતું નથી સોનલ હું તમને કયા શબ્દોમાં આશ્વાસન આપું?’
‘હવે આશ્વાસનનો કોઈ અર્થ પણ ખરો? મારા માટે તો એ દિવસો ઝંઝાવાત જેવા હતા. મમ્મી ચાલી ગઈ એ કોઈ એક વ્યક્તિનું મૃત્યુ નહોતું. મારા બાળપણનું ય મૃત્યુ હતુ. મને એ દિવસ યાદ કરવો ગમતો નથી. આપણે બાળપણમાં જે વેઠી જઈએ છીએ તે કદાચ મોટા થયા પછી વેઠી શકતા નથી. હું એટલે સહન કરી ગઈ કે હું નાની હતી. એ રાતો મેં રડી રડીને વિતાવી છે. અમારું ઘર ફરી સ્ત્રી વગરનું બની ગયું હતું. મને સાંત્વના આપનાર કોઈ નહોતું. હા, પપ્પા બીજી જ પળોજણમાં પડી ગયા હતા.’
‘બીજી કઈ પળોજણ?’
‘મારી મમ્મીનું મૃત્યુ જરા શંકાસ્પદ હતું. પોલીસ તપાસ ચાલુ હતી. વળી મોટા ઘરનો મામલો હતો એટલે પોલીસ પણ ઝીણું કાંતી રહી હતી. તેમ છતાં આખરે તો એ મૃત્યુ કુદરતી જ સાબિત થયું કે મારી મમ્મી બાથરૂમમાં પડી જવાથી મરી ગઈ હતી. તેને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. મેડિકલ રીપોર્ટમાં આ વાત આવી હતી.’
‘તમે એ બાબતમાં ક્યારેય ઊંડા ઉતર્યા છો?’
‘એ બાબતમાં હું કંઈ કહી શકું તેમ નથી. કેમ કે હું તે વખતે ઘેર નહોતી. એટલું જ નહીં મમ્મી મૃત્યુ પામી તે દિવસે કોઈ ઘેર નહોતું. મને એવું લાગે છે કે મારી મમ્મીનું મૃત્યુ કુદરતી નહોતું જ.’
‘તમને શેના પરથી એવું લાગે છે?’
‘એનાં ઘણાં કારણો છે. જોકે એ બધી વાતો મને પછી ખબર પડી છે. તે પછી પણ મને ખબર નહોતી કે મારા પપ્પા કોઈ અન્ય સ્ત્રીના ચક્કરમાં પડી ગયા છે.’
‘તમારાં મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા પછી સમાધાન થયું હતું કે નહીં?’
‘તે વખતે માત્ર હું જ એક વ્યક્તિ એવી હતી જે પપ્પાને સારો માણસ માનતી હતી. બાકી તો મારા બેઉ ભાઈઓની નજરમાં પણ પપ્પાનું કોઈ સ્થાન નહોતું. મારા બંને ભાઈઓની નજરમાં પપ્પા એક કામ લોલુપ પુરુષ તરીકે ચિતરાઈ ગયા. એમને કહેવામાં આવ્યું હતું કે એ સ્ત્રી તમારી મિલકત પચાવી પાડવા જ આવી છે. ભણવાની ઉંમરે એ બેય ભાઈઓને મિલકતના કાવાદાવા શિખવાડી દેવામાં આવ્યા હતા. સનત બાય ગોડ મારી મમ્મીએ મને કદી એવુંય નહોતું કહ્યું કે પેલા બે છોકરા તારા સગા ભાઈ નથી. પણ મારા માટેય ન આવ્યો.’
‘તમને અણસાર નહોતો આવ્યો કે તમારાં મમ્મી અને પપ્પા વચ્ચે અણબનાવ છે?’
‘એવું બનતું હશે? મા-બાપ ગમે તેટલું છુપાવે, બાળકોને બે વચ્ચેના ખટરાગની ખબર પડી જ જતી હોય છે. મને પણ એકાદ બે દિવસમાં ખ્યાલ આવી ગયો હતો.’
‘શેના પરથી?’
‘અરે તમે મારી મમ્મીને જોઈ નથી તો તમને કઈ રીતે સમજાવું કે એ સ્ત્રીનું વ્યક્તિત્વ કેવું હતું. પપ્પા અને મમ્મીનો ઝઘડો થયો ત્યારે હું સ્કૂલમાં હતી. ઘેર આવી ત્યારે મમ્મી પથારીમાં હતી. તેને તાવ છે એવું નોકરે મને કહ્યું. સનત મમ્મી જે દિવસે બરાબર ન હોય તે દિવસે મને ગભરામણ થતી. હું માની શકતી જ નહીં કે મારી મમ્મીને કંઈ થાય. મારી મમ્મી એક ખુશહાલ સ્ત્રી હતી. કોઈ પણ સંજોગોમાં હસતી જ રહેતી. મને ટ્યૂશન જવાનું મન નહોતું. હું મમ્મીને અડીને બેસી રહેલી. તે દિવસે પહેલીવાર મારી મમ્મી મારી સામે કારણ વગર રડી હતી. સનત સ્ત્રીઓમાં નાનપણથી કેટલીક સમજ વિકસી જતી હોય છે. મને અંદાજ આવી ગયો હતો કે મમ્મીની તબિયત અને હેંગીંગ ગાર્ડન સાથે કંઈક જોડાણ છે. પણ મારી વય એટલી નહોતી કે હું એ બધું એને પૂછી શકું. મારા મનમાં એક અજ્ઞાત ભય ફરી વળ્યો હતો. મમ્મીને મેં કહેલું કે હું પપ્પાને ફોન કરું કે એ અહીં આવી જાય. તે વખતે મમ્મીએ કોઈ જવાબ આપેલો નહીં. મને અંદાજ આવી ગયો કે જરૂર પપ્પા અને મમ્મી વચ્ચે કંઈક થયું છે. બસ તે દિવસથી મારા મનમાં એક શંકા પેસી ગઈ કે પપ્પા મમ્મી વચ્ચે ગરબડ છે. પપ્પા અને મમ્મીનું વર્તન અસહજ હતું. તેઓ વચ્ચે ઓછી વાતચીત થતી હતી. મમ્મી એકાદ બે દિવસ પછી બરાબર થઈ ગઈ હતી છતાં, તે એ મમ્મી જ નહોતી રહી જે પહેલા હતી. મારો બેડરૂમ અલગ હતો. જેમાં ફક્ત હું સૂવા જતી. પછી એવું બનવા લાગ્યું કે રાતે મારી આંખ ખુલી જાય ત્યારે મને વળગીને મારી મમ્મી સુતી હોય. આ જોઈ મને બહુ જ ગમતું. ખબર નહીં પછી તો આવું લાગવા માંડ્યું કે મમ્મી રોજ મારી સાથે જ સૂવે. મને વળગીને સૂવે. હું મમ્મીને કહેતી કે તું રોજ મારી સાથે સૂઈ જતી હોય તો. એક દિવસે મારી મમ્મીએ જ મને કહેલું કે સોનું હવે આપણે બેય એક જ બેડપર સૂઈ જશું. રોજ.’
‘આમ તો મારે રાજી થવું જોઈતું હતું પણ મેં મમ્મીને કહેલું તો પપ્પા? મારા વાળ સરખા કરતાં મમ્મીએ કહેલું, ‘એ ભલે એમના બેડરૂમમાં સૂઈ જાય.’
‘તેમ છતાં મારી શંકાનું સમાધાન થયું નહોતું. પણ મારી મમ્મીનો સાથ મને ગમવા માંડ્યો હતો. એટલું જ નહીં મારી મમ્મી હવે મારી સખી બનતી જતી હતી. એ મને એ બધું કહેવા લાગી હતી જે વાતોની મને ખબર જ નહોતી. હવે તમને સમજાય છે કે મારા જન્મ પહેલાની વાતોની મને કેવી રીતે ખબર પડી?’
‘તમને એ વાતો સાંભળી કોઈ આઘાત કે આશ્ર્ચર્ય નહોતું થયું?’
‘ના, મમ્મીએ બધું મને કોઈની નિંદા રૂપે નહીં પણ જાણકારી રૂપે જ કહેતી હતી. મારા પપ્પાએ મમ્મીને મોટો ધોખો આપ્યો હતો, છતાં મમ્મી એમના વિશે કદી ઊતરતું બોલી નહોતી.’
‘તમારા પપ્પાની ત્રીજી પત્ની જેનું નામ તમે મીનાક્ષી બતાવ્યું છે એ સ્ત્રી તમારા પપ્પાના જીવનમાં કેવી રીતે પ્રવેશી?’
‘પપ્પા આમ તો એક દિલફેંક પુરુષ છે. કોઈ નખરાળી સ્ત્રીને પપ્પાની નજીક આવતા મુશ્કેલી પડે નહીં. મારી ત્રીજી મમ્મી એટલે કે મીનાક્ષી અતિ મહત્ત્વકાંક્ષી અને મની ક્રેજી સ્ત્રી છે. તેણે કોઈક સમયે મોડેલિંગમાં પણ ભાગ્ય અજમાવ્યું છે. એ હીરાના એક એક્ઝિબિશન શોની એન્કર તરીકે પપ્પાને પહેલીવાર મળી હતી. તેણે મોડલિંગ કર્યું છે એટલે સ્વાભાવિક છે કે તેની અદાઓમાં આકર્ષણ હોય. પપ્પા એની અદાઓ પર વારી ગયેલા અને સાથે કોફી પીવાનું આમંત્રણ આપેલું. મુંબઈ જેવા શહેરમાં આવી સ્ત્રીઓ ગલી ખૂણે પડી છે. જરા સરખી લિફ્ટ મળે તો મોકો ઝડપી લેવાની તાકમાં જ બેઠી હોય છે. સનત તે વખતે ઈન્ડિયામાં સેલફોન હજુ લોન્ચ થયા નહોતા. પપ્પાએ પોતાની ચેમ્બરનો પર્સનલ ફોન નંબર એને આપેલો. તેણે પપ્પાના મનમાં એક ઈચ્છા જગાડી દીધી હતી. પપ્પાને એ વાતનુંય ભાન ન રહ્યું કે પોતાના ઘરમાં પહેલી ઘરવાળીથી થયેલા બે યુવાન છોકરા છે અને એક એવી પત્ની છે જે એમને ભગવાન ગણીને પૂજે છે. પેલી સ્ત્રી ગણી ગણીને ડગલાં ભરી રહી હતી. મીનાક્ષી એક દિવસ અચાનક જ અમારા શો રૂમ પર આવી ચડી પપ્પા અને મીનાક્ષીની એ પહેલી મુલાકાત હતી. પહેલી મુલાકાતમાં જ પપ્પાએ આપેલી કીંમતી ભેટ જોઈ પેલી નટી સમજી ગઈ કે આ મુરઘો કાયમ માટે હાથ કરી લેવા જેવો છે.’
સોનલે પાણી પીધું. બહાર લોબીમાં અચાનક બત્તી થઈ. સનત જરા ચમકીને ઊભો થયો. સોનલે કહ્યું, ‘બેસી જાઓ હોટેલનો જ કોઈ માણસ હશે.’ સનતે બેસી જતા કહ્યું, ‘પછી શું થયું?’
‘થવાનું શું હતું? થોડા વર્ષ શાંત રહી ગયેલો પપ્પાની અંદરનો પ્લેબોય જાગી ગયો. એ સ્ત્રીએ પોતાની જાળ પાથરવા માંડી અને પપ્પા તેમાં આબાદ ફસાયા. રેસ્ટોરન્ટસથી શરૂ થયેલું મળવાનું ધીમે ધીમે હોટેલના બેડ સુધી પહોંચી ગયું. એ સ્ત્રી પપ્પાના કારોબારના માલિક થવાના સપનાં જોવા લાગી હતી. પ્રશ્ન એજ હતો કે મમ્મી હોય ત્યાં સુધી તે ઘરનો ઉંબરો ઓળંગી શકે એમ નહોતી.
‘સોનલ હું માનું છું કે તમારા મમ્મીનું ખૂન થઈ ગયું અથવા કોઈએ ઝેર આપી દીધું હશે.’
‘હોઈ શકે. બેય શંકા ખોટી નથી. હું તે વખતે નાની હતી અને મેં તો મમ્મીનો કાપડમાં વિંટાળેલો મૃતદેહ જ જોયો હતો.’
‘એવું કોણે કર્યું હોય?’
‘હું કોઈ ઉપર શંકા કરી શકતી નથી. મને જ્યારે સમજાયું ત્યારે તો બધું સમટાઈ ગયું હતું. હું મારી નવી મમ્મી પર શંકા કરું છું તો એવું લાગે છે કે એ સ્ત્રી એવું કરી શકે ખરું? જોકે એ મનીક્રેઝી છે, પણ એ મમ્મીને મરાવી નાખે એવું હું વિચારી શકતી નથી. તેણે મને ઘણું વહાલ કર્યું છે. ઊલટાનું પેલા બેય ભાઈઓ સાથે અવાર નવાર એને ઝઘડા થાય છે. મારા પપ્પા પણ આ હદે ન જાય. કદીય ન જાય. બાકી રહ્યા પેલા બે છોકરા. કે પછી એમના મામાઓ. એ આવું કરે? આ પ્રશ્ન મને વારંવાર અવઢવમાં નાખી દે છે. હું કોઈ નિર્ણય પર પહોંચી શકતી નથી. તેમ છતાં જે રીતે પોલીસ અમારા ઘેર આવતી, પપ્પાની પૂછપરછ કરતી તે જોતાં મમ્મીનું મૃત્યુ શંકાસ્પદ તો હતું જ ! આજે તમને મારા જીવનની એક અત્યંત અંગત વાત કહી રહી છું. મમ્મીનું બેસણું પતિ ગયું એ સાંજે હું ખૂબ રોતી હતી. નોકરો સિવાય ઘેર કોઈ જ નહોતું. મારા રડવાનું કારણ બીજું હતું. એ વખતે દાદા અચાનક આવ્યા. મને રડતી જોઈ એમને મારા પર વહાલ જાગ્યું હશે. એમણે મારો હાથ પકડી બેઠી કરવાનો પ્રયત્ન કર્યો પણ શરમની મારી હું ઊભી જ ન થઈ. એમને અચાનક ખ્યાલ આવ્યો કે મારી સફેદ સલવાર લોહીથી તરબોળ છે. દાદાને સમજાયું ત્યારે તેઓ ઘડીભર મુંઝાઈ ગયા. મારી રગોમાં વહેતા એમના જ લોહીએ કદાચ એમને ધક્કો માર્યો હતો. એ મને બાથરૂમમાં લઈ ગયા. પછી ક્યાંકથી ટુવાલ શોધ્યો. મને ટુવાલ આપતાં કહેલું, સોનું ગભરાતી નહીં હોં બેટા. તને કશું જ નથી થયું. દરેક છોકરી બાર-તેર વર્ષની થાય ત્યારે એને આવું થાય. તને બધું સમજાવું છું હોં. તું નહાઈ લે, હું હમણાં આવું. એ આવ્યા ત્યારે હું શરમની મારી આંખો પર હાથ દઈને બેઠી હતી. એમના હાથમાં એક પેકેટ હતું. તમને શું કહું? સેનેટરી નેપ્કિન કોને કહેવાય તેની મને પહેલીવાર ખબર પડી. મારી શરમનો પાર નહોતો. તેમ છતાં મારા દાદાએ મને બધું સમજાવ્યું. એક માની જેમ સમજાવ્યું કે ટાઈમ પિરિયડ એટલે શું અને તે વખતે શું કરવું જોઈએ. એક છોકરી માટે પહેલા માસિક ધર્મ સમયે એની મા અથવા એવી સ્ત્રી હોવી જોઈએ જે એને બધું સમજાવે. મને એક પુરુષે સમજાવ્યું. અરે સેનેટરી પેડનો ઉપયોગ કઈ રીતે થાય એ પણ તેમણે જ શીખવાડ્યું. બસ એ દિવસથી મારી ચંચળતા, શરારત, હાસ્ય બધું જ ચાલ્યું ગયું. હું એકાએક મોટી થઈ ગઈ.’
સોનલની વાત સાંભળીને સનત સ્તબ્ધ થઈ ગયો. સોનલ મટકું માર્યા વગર ધીમું ધીમું હાંફતી રહી. રાત હવે ઢળવા લાગી હતી.
(ક્રમશ:)