Sat Nov 07 2026

Logo

કૉંગ્રેસે 11 વખત એસઆઈઆરની કામગીરી કરી, 12મી વખત જ કેમ વિરોધઃ રૂપાલાનો સવાલ...

2026-11-03 16:21:50
Author: Mayur Patel
કૉંગ્રેસે 11 વખત એસઆઈઆરની કામગીરી કરી, 12મી વખત જ કેમ વિરોધઃ રૂપાલાનો સવાલ...

PTI


રાજકોટઃ ભાજપ કાર્યાલય ખાતે લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન અંતર્ગત કેન્દ્રીય રાજ્ય પ્રધાન એસ.પી. સિંહ બઘેલ અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં ભાજપના નેતાઓએ  એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસ સામે સીધો મોરચો માંડ્યો હતો. 

સાંસદ રૂપાલાએ કૉંગ્રેસના વલણ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, કૉંગ્રેસના પોતાના શાસનકાળમાં ભૂતકાળમાં 11 વખતએસઆઈઆરની કામગીરી થઈ ચૂકી છે ત્યારે ક્યારેય વિરોધ નહોતો થયો, તો હવે 12મી વખત આ પ્રક્રિયા થઈ રહી છે ત્યારે જ કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે?

વધુમાં તેમણે કહ્યું કે, 13 કરોડ મતદારોનાં નામ યાદીમાંથી કમી કરાયાં હોવાની ખોટી અફવા ફેલાવીને કૉંગ્રેસ પ્રજામાં ભ્રમ ઊભો કરી રહી છે. માત્ર સંમેલનો બોલાવીને ભીડ એકઠી કરવાથી સત્ય બદલાતું નથી; જો ખરેખર આટલાં નામ કમી થયાં હોય તો કોંગ્રેસે આંકડાઓ સાથે નક્કર સ્પષ્ટતા કરવી જોઈએ.

કેન્દ્રીય રાજ્ય પ્રધાન એસ.પી. સિંહ બઘેલે પણ કૉંગ્રેસને ઘેરતાં જણાવ્યું કે, જો કોઈ માન્ય કે સાચા મતદારનું નામ યાદીમાંથી રદ થયું હોય તો કૉંગ્રેસે એફિડેવિટ રજૂ કરી પુરાવા આપવા જોઈએ. વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં ડુપ્લિકેટ મતદારો સામે આવ્યા હોવાનું જણાવી તેમણે સ્પષ્ટ કર્યું કે, મધ્યમ વર્ગના ઘણા લોકો રોજગાર અર્થે ગામડેથી શહેરોમાં સ્થળાંતર કરે છે અને તેમના જૂના ગામમાં પણ નામ ચાલુ રહે છે, જેના કારણે મતદાર યાદીનું સઘન વેરિફિકેશન અનિવાર્ય બને છે. તેમણે આ સંદર્ભે ફોર્મ-6 અને ઓટીપી આધારિત સ્વઘોષણાની પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બઘેલે ચૂંટણી પંચ સામે ઉઠાવાતા સવાલો અંગે આક્ષેપ કર્યો કે કૉંગ્રેસ લાંબા સમયથી સત્તા બહાર હોવાથી આવી નિવેદનબાજી કરી રહી છે. આ ઉપરાંત, તેમણે રાહુલ ગાંધીનાં દાદીએ બંધારણનાં પાનાં ફાડી નાખ્યાં હોવાનો આક્ષેપ કરી કૉંગ્રેસના ફંડિંગ સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા હતા.

ભાજપના બંને નેતાઓએ એસઆઈઆર પ્રક્રિયાને વ્યાજબી ઠેરવી કૉંગ્રેસના આક્ષેપોને માત્ર રાજકીય સ્ટંટ ગણાવ્યા હતા. હવે ભાજપ દ્વારા ફેંકાયેલા આ પડકાર સામે કૉંગ્રેસ શું વળતો જવાબ આપે છે તેના પર રાજકીય વિશ્લેષકોની નજર ટકેલી છે.