Sat Sep 05 2026

Logo

NEETમાં ઓછા માર્ક્સ આવતા વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, સાંસદ નિલેશ લંકેએ સરકાર પર સાધ્યું નિશાન

2026-07-27 09:52:00
Author: Vimal Prajapati
NEETમાં ઓછા માર્ક્સ આવતા વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, સાંસદ નિલેશ લંકેએ સરકાર પર સાધ્યું નિશાન

અહિલ્યાનગર: મહારાષ્ટ્રમાં વધુ એક નીટની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અહિલ્યાનગરના કર્જતમાં જલાલપુરની રહેવાસી અંકિતા સાંગલેએ રવિવારે પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અંકિતાએ આ રિ-નીટની પરીક્ષામાં 166 મા્ર્કસ મેળવ્યાં હતાં. દીકરીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળતા સમગ્ર વિસ્તારમાં અત્યારે હડકંપ મચી ગયો છે અને પરિવારમાં પણ ભારે શોકનો માહોલ છવાયો છે. આ સમગ્ર કેસમાં કર્જત પોલીસે આત્મહત્યાનો કેસ દાખલ કર્યો અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. 

અંકિતાએ સુસાઈડ નોટમાં નીટની પરીક્ષાનો ઉલ્લેખ કર્યો

આ ઘટના મામલે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે. અંકિતાએ સુસાઈડ નોટમાં નીટની પરીક્ષાનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અંકિતા સાંગલેએ પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને જીવનલીલા સંકેલી લીધી છે. પરિવારનું કહેવું છે કે, નીટની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યાં તેના કારણે અંકિતાએ આ પગલું ભર્યું છે. અંકિતાને આ નીટની પરીક્ષામાં માત્ર 166 માર્ક્સ આવ્યાં હતાં. પરિવારે કહ્યું કે, નીટમાં અંકિતાએ જેટલા માર્ક્સની આશા રાખી હતી એટલા માર્ક્સ તેને નહોતા આવ્યાં, જેના કારણે તે ટેન્શનમાં રહેતી હતી. 

રવિવારે સવારે 4.30 કલાકે આત્મહત્યા કરી લીધી 

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અંકિતાએ રવિવારે સવારે 4.30 કલાકે આત્મહત્યા કરી લીધી હતી. પરિવારે અંકિતાને ભણવા માટે એક અલગ રૂમ આપ્યો હતો. રવિવારે તે મોડા સુધી રૂમની બહાર ના આવી તેના કારણે પરિવાર ચિંતામાં આવી ગયો હતો. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે અંકિતાએ ફાંસી લગાવી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. માહિતીના આધારે, પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.

નિલેશ લંકેએ અંકિતાના મૃત્યુ માટે સરકારને જવાબદાર ઠેરવી

આ સમગ્ર મામલે સાંસદ નિલેશ લંકેએ જલાલપુરની વિદ્યાર્થીની અંકિતા સાંગલેના ઘરે શોક વ્યક્ત કરવા ગયા હતા. NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવ્યા બાદ તેણીએ ફાંસી લગાવીને મૃત્યુ પામી હતી. આ દરમિયાન, નિલેશ લંકેએ અંકિતાના મૃત્યુ માટે સરકારને જવાબદાર ઠેરવી છે. સાંસદે માંગ કરી છે કે તેના મૃત્યુ માટે જવાબદાર અને NEET પેપર લીકમાં સામેલ લોકો સામે સદોષ માનવહત્યાનો કેસ નોંધવામાં આવે! હવે જોવાનું એ છે કે, આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે.