Thu Sep 17 2026

Logo

કુંભમેળા માટે 300 કરોડના રસ્તાનાં કામના કોન્ટ્રેક્ટને નામે વેપારી સાથે લાખોની ઠગાઇ અત્યાર સુધી પાંચ કેસ દાખલ કરાયા: છ આરોપીની ધરપકડ

2026-08-18 19:13:25
Author: Yogesh D. Patel
કુંભમેળા માટે 300 કરોડના રસ્તાનાં કામના કોન્ટ્રેક્ટને નામે વેપારી સાથે લાખોની ઠગાઇ અત્યાર સુધી પાંચ કેસ દાખલ કરાયા: છ આરોપીની ધરપકડ

નાશિક: નાશિક જિલ્લામાં પોલીસે છેતરપિંડીનો વધુ એક કેસ ઉકેલી કાઢ્યો હતો, જેમાં આગામી કુંભમેળા માટે 300 કરોડ રૂપિયાના રસ્તાનાં કામનો કોન્ટ્રેક્ટ અપાવવાને બહાને વેપારી સાથે 35 લાખ રૂપિયાની ઠગાઇ આચરવામાં આવી હતી.આ સાથે ઠગાઇના આવા પાંચ કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને બોગસ વર્ક ઓર્ડર રેકેટમાં લોકો સાથે 3.4 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે છ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

તાજેતરના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીએ ફરિયાદી વેપારીનો સંપર્ક સાધ્યો હતો અને આગામી કુંભમેળા માટે 300 કરોડ રૂપિયાના રસ્તાનાં કામનો કોન્ટ્રેક્ટ અપાવવાને બહાને તેની સાથે છેતરપિંડી આચરી હતી.આરોપીએ ભારત સરકારની મુદ્રા અને નાશિક ત્ર્યંબકેશ્ર્વર કુંભમેળા પ્રશાસનનો સમાવેશ ધરાવતો બોગસ વર્ક ઑર્ડર વેપારીને બતાવ્યો હતો. વેપારીએ ટેન્ડર મંજૂરી માટે પચાસ લાખ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ બાદમાં તેને આ અંગે કોઇ માહિતી મળી નહોતી.

વેપારીએ પોતાના રૂપિયા પાછા માગતાં આરોપીઓએ તેને 15 લાખ રૂપિયા પાછા આપી દીધા હતા. બાકીના રૂપિયા પાછા ન મળતાં વેપારીએ નાશિક રોડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે રવિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)