અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરવિહોણા લોકો માટે નવીન રેસ્ક્યુની ઉત્તમ પહેલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અમદાવાદ શહેરમાં જાહેર જગ્યાઓ, ફુટપાથ, પુલ નીચે, ધાર્મિક સ્થાનો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બાગ બગીચા વગેરે જગ્યાએ ખુલ્લામાં આશરો લેવા મજબુર ઘરવિહોણા લોકોને સુરક્ષિત તમામ પ્રાથમિક સુવિધાયુક્ત આશ્રય મળી રહે તે હેતુથી નવીન પહેલ શરૂ કરવામાં આવી છે.આ માટે ખાસ એક હેલ્પલાઈન પણ તૈયાર કરવામાં આવી છે અને માણસોને આશરો મળી રહે એ માટે કોર્પોરેશને ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે.
ટોલ ફ્રી નંબર જાહેર
આ પહેલ અંતર્ગત શહેરના કોઈપણ નાગરીકને ઉપર મુજબ જાહેર સ્થળે ઘરવિહોણી વ્યક્તિ જોવા મળે તો તેઓ જાહેર ફરિયાદ ટોલ-ફ્રી નં.155303 પર કોલ કરી તેની માહિતી આપી શકશે. સદર માહીતીને આધારે યુ.સી.ડી. વિભાગનાં સંબંધિત અધિકારી/કર્મચારી દ્વારા સંબંધિત સ્થળે પહોંચી જે તે વ્યક્તિનું કાઉન્સેલિંગ કરી, તેને નજીકના આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવશે. આ કામગીરી માટે અમદાવાદ શહેરમાં ઝોનવાર વિશેષ રેસ્ક્યુ વાહન, જરૂરી સ્ટાફ તથા બાઉન્સર સાથેની ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી જાહેર સ્થળોએ રહેતા ઘરવિહોણા લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રય આપી શકાય.
શિક્ષણ મળે એવી પણ ખાસ વ્યવસ્થા
અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન/વોર્ડમાં કુલ 35 આશ્રયગૃહો 24×7 કાર્યરત છે. જેની કુલ ક્ષમતા 4315ની છે. જેમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના વિનામુલ્યે આશ્રય આપવામાં આવે છે. આશ્રયગૃહોમાં આશ્રિતો માટે ટુ-ટાયર બેડ,ધાબળા, ઓશિકા, પીવાના પાણીની સુવિધા, ગરમ પાણી માટે ગીઝર, રસોઈ બનાવવા તથા જમવા માટે જરૂરી સાધનો, ગેસ જોડાણ, ફાયર સેફ્ટી સહિતની જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, આશ્રયગૃહોને નજીકના આંગણવાડી કેન્દ્રો તથા સરકારી શાળાઓ સાથે જોડાણ કરવામાં આવ્યા છે, જેથી આશ્રિતોના બાળકોને જરૂરી શૈક્ષણિક સેવાઓ સાથે સાંકળી શકાય.આશ્રયગૃહ ખાતે આશ્રય લેતા જરૂરીયાતમંદ લોકોને મળવાપાત્ર સરકારી યોજનાઓના લાભો મળી રહે તે સારૂ જરૂરી માર્ગદર્શન અને સહાય પણ પુરી પાડવામાં આવે છે. આશ્રયગૃહમાં રહેતા તમામ ઘરવિહોણા લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ રાત્રે ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ભોજન પણ નિઃશુલ્ક આપવામાં આવે છે.