થાણે: કાશીમીરામાં 2015માં નજીવા ઝઘડામાં કેરોસીન રેડી પત્નીને જીવતી સળગાવવાના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે પતિને જનમટીપની સજા સંભળાવી હતી.એડિશનલ સેશન્સ જજ આર. ડી. સાવંતે આરોપી સુભાષ નિવૃત્તિ વાઘમારે (38)ને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને આજીવન કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ફરિયાદ પક્ષ અનુસાર ઘટના 9 મે, 2015ની રાતે કાશીમીરા વિસ્તારના ઘોડબંદર ગાંવમાં બની હતી. દંપતી ભાડેના ઘરમાં રહેતું હતું. ઘટનાની રાતે વાઘમારેએ પત્ની વૈશાલીને પગ દબાવવાનું કહ્યું હતું. વૈશાલી વાસણ માંજતી હોવાથી તેણે થોડી વાર રાહ જોવાનું કહ્યું હતું. આ વાતને લઈ વાઘમારે ગુસ્સો ભરાયો હતો અને તેણે વૈશાલીની મારપીટ કરી હતી.
એ જ રાતે વૈશાલી બેડ પર બેઠી હતી ત્યારે વાઘમારેએ ફરી વિવાદ કર્યો હતો. તેણે વૈશાલીના શરીર પર કેરોસીન રેડી આગ ચાંપી હતી. આ ઘટનામાં 90થી 95 ટકા દાઝેલી વૈશાલીનું 13 મે, 2015ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર રશ્મી ક્ષીરસાગરે આરોપ સિદ્ધ કરવા 10 સાક્ષીદાર રજૂ કર્યા હતા. બચાવ પક્ષે જણાવ્યું હતું કે મૃતકને તે દિવસે કાન અને પેટમાં સખત દુખાવો હતો. દરદ સહન ન થતાં તેણે આત્મહત્યા કરી હતી. 10 મે, 2015ના રોજ મૃત્યુ પૂર્વેના પ્રથમ નિવેદનમાં તેણે આ અંગે નિર્દેશ આપ્યો હતો.
જોકે કોર્ટે મૃતકના મૃત્યુ પૂર્વેના બીજા નિવેદનને સ્વીકાર્યું હતું. આ નિવેદન 11 મેના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ ઑફિસર ગીતા રૉય અને પોલીસ દ્વારા નોંધવામાં આવ્યું હતું. બીજા નિવેદનમાં વૈશાલીએ જણાવ્યું હતું કે પહેલા નિવેદન વખતે પતિ હૉસ્પિટલમાં તેની પાસે સામે ઊભો હોવાથી ડરના માર્યા તેણે ખોટું કહ્યું હતું.જજ સાવંતે બચાવ પક્ષની આત્મહત્યાની વાતને નકારી કાઢી હતી. નજીવી શારીરિક તકલીફમાં આવું ઘાતકી પગલું કોઈ લે એ માનવામાં આવી શકે નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું. તેથી બીજું નિવેદન સાચું અને વિશ્ર્વસનીય હોવાનું જણાવી આરોપ સિદ્ધ થતા હોવાનું કોર્ટે નોંધ્યું હતું.