Sat Aug 22 2026

Logo

પંત 100 સિક્સર ફટકારનારાઓમાં ફાસ્ટેસ્ટ

Galle   2026-08-18 22:26:00
Author: Ajay Motiwala
Article Image

ગૉલઃ ગઈ કાલે ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો. પંતે દાવમાં જે બીજી સિક્સર ફટકારી એ તેની 100મી સિક્સર હતી. આ રેકૉર્ડ બુકમાં બેન સ્ટોક્સ (138), બે્રન્ડન મેકલમ (107) અને ઍડમ ગિલક્રિસ્ટ (100) પહેલા ત્રણ ક્રમે અને પંત ચોથા સ્થાને છે. ખૂબીની વાત એ છે કે ચારેયમાં પંત 100 સિક્સર ફટકારવાની બાબતમાં ફાસ્ટેસ્ટ છે.

એક જાણીતી વેબસાઇટના વિશ્લેષણ અનુસાર વિકેટકીપર ગિલક્રિસ્ટે 92 ટેસ્ટના 130 દાવમાં 6,578 બૉલમાં (ડેબ્યૂ પછીના 2,933 દિવસમાં) 100 સિક્સર ફટકારી હતી. વિકેટકીપર મૅક્લમે 98 ટેસ્ટના 170 દાવમાં 9,756 બૉલમાં (4,292 દિવસમાં), બેન સ્ટૉક્સે 82 ટેસ્ટના 151 દાવમાં 9,042 બૉલમાં (3,122 દિવસમાં) 100 છગ્ગા માર્યા હતા, જ્યારે પંતે 51 ટેસ્ટના 89 દાવમાં 4,918 બૉલમાં (2,919 દિવસમાં) 100 સિક્સર ફટકારી હતી.

પંત (Rishabh Pant) એક સમયે સિક્સર મારવા જતાં સંતુલન ગુમાવી બેઠો હતો અને નીચે પડ્યો હતો.

શ્રીલંકા (SriLanka)ને જીતવા માટે 372 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો છે. બુધવારે છેલ્લો દિવસ છે. મેઘરાજા ન નડે તો ભારતને આ મૅચ જીતીને 1-0ની સરસાઈનો સારો મોકો છે.

ભારતીય ટીમમાં એકમાત્ર પંતે હાફ સેન્ચુરી (66 રન) 69 બૉલમાં બે છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી ફટકારી હતી. ભારતના 193 રનના સ્કોરમાં પડિક્કલે 44 રનનું અને કે. એલ. રાહુલે 35 રનનું યોગદાન આપ્યું હતું.

પંત અને આઠ રન બનાવનાર જાડેજા વચ્ચેની 54 રનની છઠ્ઠી વિકેટ માટેની ભાગીદારી કુમારાએ જ તોડી હતી. બંનેને તેણે આઉટ કર્યા હતા.