Mon Jul 27 2026

Logo

આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે ‘પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ’, જાણો શું છે જોગવાઈ...

2026-07-27 09:21:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દેશમાં સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગડબડ તથા પેપર લીકની ઘટનાઓ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકાર હવે પૂર્ણ તૈયારી સાથે એક્શન મોડમાં આવી ગઈ છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહ દ્વારા સંસદમાં ‘પબ્લિક એક્ઝામિનેશન સુધારા વિધેયક’ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની પરીક્ષા પ્રણાલીમાં સંપૂર્ણ પારદર્શિતા, નિષ્પક્ષતા અને યુવાનોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો છે.

નવા કાયદામાં શું જોગવાઈ છે?

પેપર લીકમાં સામેલ દોષિતોને 10૦ વર્ષ સુધીની કેદ અને રૂપિયા 10 કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. આ સાથે સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પર કાર્યવાહી થશે, એટલે કે, જો પરીક્ષા લેતી એજન્સી કે કંપની દોષી જણાશે તો તેને 8 વર્ષ માટે બ્લેકલીસ્ટ કરાશે તેમજ તેના ડિરેક્ટર અને મેનેજરને 10 વર્ષની જેલ અને રૂપિયા 10 કરોડનો દંડ થશે. તે પછી કોચિંગ સેન્ટરો પર પણ કાર્યવાહી થશે. એટલે કે, પેપર લીક રેકેટમાં સંડોવાયેલા કોચિંગ ક્લાસીસની મિલકતો જપ્ત કરવામાં આવશે.

 

ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક વિશેષ વીડિયો સંદેશ જાહેર કરીને પરીક્ષા પદ્ધતિને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી છે. ઇન્ફોસિસના સહ-સ્થાપક અને આધાર કાર્ડના આર્કિટેક્ટ નંદન નિલેકણીની અધ્યક્ષતામાં આ 6 સભ્યોની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી પરીક્ષાઓને સંપૂર્ણપણે લીક-પ્રૂફ બનાવવા અને એક્ઝામ સિસ્ટમમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે સરકારને મહત્વપૂર્ણ સુઝાવો આપશે.  વીડિયોમાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારા ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ રચના કરવામાં આવી છે.