ચિંતન - હેમુ ભીખુ
‘ગુરુ’ એ ‘ગુ’ અને ‘રુ’ અક્ષરના સમાસથી બનેલો શબ્દ છે. ‘ગુ’નો અર્થ થાય છે અંધકાર અને ‘રુ’ એટલે દૂર કરનાર. ગુરુ એટલે જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવે તે મહાત્મા. તેમનાં જ્ઞાન અને સ્થિતિને આધારે મહાદેવને જેમ આદિ-યોગી કહેવાય છે તેમ આદિ-ગુરુ પણ કહેવાય છે. ગુરુ-પરંપરા મહાદેવથી શરૂ થઈ જે આજદિન સુધી સ્થાપિત છે. મહાદેવના પ્રથમ શિષ્ય કોણ હતાં તે વિશે વિવિધ ગ્રંથોમાં મતમતાંતર જોવા મળે છે.
એક સંભાવના પ્રમાણે માતૃશક્તિના સ્વરૂપ સમાન, મહાદેવના અર્ધાંગિની, દેવી પાર્વતીએ સૌપ્રથમ મહાદેવ પાસેથી યોગ, તંત્ર, સાધના, આધ્યાત્મ, નૈતિકતા અને સાત્વિકતા વિશે જ્ઞાન મેળવ્યું હતું. આ વાત સ્વાભાવિક પણ લાગે છે. જે વ્યક્તિ સતત સહવાસમાં હોય તે આપમેળે, સંવાદથી કે અવલોકનથી, ઘણી બધી વાતો શીખી લે. અહીં તો સહવાસ અર્ધાંગિનીનો હતો, જે જ્ઞાન માટે પૂર્ણ જીજ્ઞાસુ પણ હતાં. સ્વાભાવિક રીતે જ્ઞાનનો પહેલો લાભ તેમને મળ્યો હોય.
વિવિધ સમયે, વિવિધ સ્વરૂપે ઘટીત થયેલ શિવ-શક્તિ સંવાદથી આ વાત સ્થાપિત થાય છે. તે ઉપરાંત નંદિશ્વર, સનતકુમાર, બ્રહ્મા, વિષ્ણુ, સપ્તર્ષિ એમ ઘણાંએ મહાદેવ પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ-પરંપરાની શરૂઆત પર થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. મહાદેવ દ્વારા અનેક દેવતાઓ, ઋષિગણ, યોગી, ભક્ત, જિજ્ઞાસુ, રાજવી, યક્ષ-ગંધર્વ અને અન્ય ગણને જ્ઞાન અપાયું છે.
શિવજીના સાત ઋષિ શિષ્યોને ‘સપ્ત ઋષિ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમને સનાતની પરંપરાનાં મુખ્ય યોગીક તેમ જ આધ્યાત્મિક બાબતોનાં - શિવજ્ઞાનના - પ્રથમ ગ્રાહક, રક્ષક તથા પ્રચારક માનવામાં આવે છે. શિવજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી, તપસ્યા, ચિંતન અને અનુકરણ દ્વારા તે જ્ઞાનના માર્ગે આગળ વધી તેમણે પૂર્ણતા પ્રાપ્ત કરી અને અન્ય અનેકને તે માટે પ્રેરિત કર્યા. આ સપ્તર્ષિની સૂચિ જુદાં જુદાં ગ્રંથોમાં જુદી જુદી જોવાં મળે છે. આમાંની કોઈ એક સૂચિ પર આધાર રાખવાને બદલે અહીં લગભગ બધાં જ ઋષિઓ વિશે થોડો ઉલ્લેખ જરૂરી જણાય છે.
ભગવાન બ્રહ્માના માનસ પુત્ર, મહાસતી અનસુયાના સ્વામી, ભગવાન દત્તાત્રેય, ચંદ્ર તથા દુર્વાસાના પિતા, મહાન તપસ્વી અને વેદના જ્ઞાતા અત્રિ ઋષિ મહાન શિવ-શિષ્ય હતાં. બ્રહ્મવિદ્યા તથા યોગ-જ્ઞાનના પ્રસારક અત્રિ ઋષિની ગણના મહાદેવના શિષ્યોમાં ગૌરવ પૂર્વક થાય છે. ભૃગુ સંહિતાના રચયિતા, જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા, પ્રખર ગ્રહ-જ્ઞાની, ભવિષ્યવેત્તા તથા ન્યાયના પ્રખર આગ્રહી એવા ભૃગુઋષિ પણ મહાદેવના શિષ્ય છે. મહાદેવના શિષ્યની સૂચિમાં અંગિરા ઋષિનું પણ નામ અંકિત થયેલું છે. તેઓ ઋગ્વેદના ઋષિ ગણાય છે. સાથે સાથે તેમની યજ્ઞ-નિપુણતા, ધ્યાન-સિદ્ધિ તથા દેવતાઓ સાથે સંવાદ સ્થાપવાની ક્ષમતા ઉલ્લેખનીય છે.
રઘુવંશના કુલગુરુ, યોગવશિષ્ઠના રચયિતા, જ્ઞાન અને યોગના સમન્વયની વાત કરનાર, વિવિધ રાજકુળમાં જ્ઞાનના મહિમાનો પ્રસાર કરનાર મહાન શિવભક્ત વશિષ્ઠ ઋષિનું નામ પણ આ સૂચિમાં છે. રાવણના પિતામહ પુલસ્ત્ય ઋષિ - કે જેમણે પુરાણો તથા ઇતિહાસને સુગ્રંથિત કર્યા અને આ માટે તેમણે બ્રહ્માજી પાસેથી પણ જ્ઞાન પ્રાપ્ત કરેલું - નો સમાવેશ પણ જોવા મળે છે.
તે ઉપરાંત તપસ્વી જીવનને અનેરું મહત્ત્વ પ્રદાન કરનાર પુલહ ઋષિ, શાંતિ તથા સદાચારના આગ્રહી તેમ જ યજ્ઞ વિધિમાં નિપુણ ગણાતા કૃતુ ઋષિ, તપ વ્રત તેમ જ આશ્રમ વ્યવસ્થાના પ્રચારક ગૌતમ ઋષિ, રાજામાંથી બ્રહ્મર્ષિની પદવી પામેલ, શકુંતલાના પિતા તેમ જ મહાન તપસ્વી વિશ્વામિત્ર ઋષિ, આયુર્વેદ, ધર્મશાસ્ત્ર તથા સેવા થકી ધર્મની સ્થાપના માટે પ્રેરણા આપનાર ભરદ્વાજ ઋષિ, શિવ ઉપાસક પરશુરામના પિતા મહાન જમદગ્નિ ઋષિ, મહાભારતના રચયિતા, વેદોને સંકલિત કરનાર અને પુરાણ તથા બ્રહ્મસૂત્રના સર્જક વેદવ્યાસ મુનિ, દક્ષિણ ભારતમાં વેદિક પરંપરા તેમ જ શિવભક્તિનો વિસ્તાર કરનાર અગસ્ત્ય ઋષિ, દેવી-પ્રકૃતિ તથા શિવ-તત્ત્વના સમન્વયના પ્રખર વિચારક અને માતંગ-તંત્રના સ્થાપક માતંગ મુનિનો સમાવેશ પણ આ સૂચિમાં એક યા બીજા ગ્રંથમાં જોવા મળે છે.
આ ઉપરાંત શિવજીના ગણમાં પ્રમુખ એવા નંદીશ્વર, દાનવોના ગુરુ શુક્રાચાર્ય તેમ જ દેવોના ગુરુ બૃહસ્પતિ, વૈરાગ્ય તેમ જ જ્ઞાન માટે આદર્શ ગણાતા વ્યાસજીના પુત્ર શુકદેવજી, તંત્ર દ્વારા અનેક શક્તિના સાધક ભૈરવ, હઠયોગ તથા તાંત્રિક વિદ્યા માટે પ્રખ્યાત નાથ સંપ્રદાયનાં ગોરક્ષનાથ, મચ્છેન્દ્રનાથ, જાલંધરનાથ જેવાં મહાન સાધક, સનાતની સંસ્કૃતિમાં અદ્વૈત દર્શનના પ્રખર હિમાયતી આદિ શંકરાચાર્ય જેવાં મહાદેવના અનેક શિષ્યોએ પ્રથમ સ્વયં આધ્યાત્મિકતાના રંગે રંગાઈને પછી સમગ્ર માનવ જાતને તે રંગ પહોંચાડવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યા છે. મહાદેવથી જ્ઞાનની જે પરંપરા શરૂ થઈ તે આજદિન સુધી શુદ્ધતા અને પવિત્રતાના ભાવ સાથે ચાલુ છે. મહાદેવથી જે ગુરુ-પરંપરા સ્થાપિત થઈ તે આજે પણ તેટલી જ દૃઢતાથી સ્થાપિત થયેલી જોવા મળે છે. મહાદેવ દ્વારા આધ્યાત્મિકતાનો જે પ્રવાહ ચાલુ કરાયો તે આ જ પર્યંત તે જ સ્વરૂપે વહે છે.
સમજી શકાય છે કે કેવાં કેવાં મહાન ભક્તોએ, શિષ્યોએ, ઋષિઓએ મહાદેવ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આ ગુરુ-પરંપરાની શરૂઆત થઈ. આ બધા શિષ્યોએ મહાદેવ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે મેળવેલું જ્ઞાન આજ દિન સુધી જેમની તેમ સ્થિતિમાં સચવાયેલું છે જે માનવજાત માટે એક મહાન આશીર્વાદ સમાન છે. સાધનાના વિવિધ માર્ગ હોય કે શાસ્ત્રીય યોગીક પદ્ધતિ, તપસ્યાની રીત હોય કે આધ્યાત્મની સમજ, જ્ઞાનનો વ્યાપ હોય કે વૈરાગ્યની સ્થાપના, શિવ સ્વરોદય હોય કે વિજ્ઞાન ભૈરવ, શિવસૂત્ર હોય કે શિવગીતા, મહાદેવના શિષ્યોએ આ બધું જ જ્ઞાન અને તેનું તારણ અને તેની અનુભૂતિ વ્યવસ્થિત રીતે પોતાના જીવનમાં સ્થાપિત કરી પછી માનવ જાતને મદદરૂપ થવા માટે તેનો પ્રસાર કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરેલો છે. સ્વાભાવિક છે કે આ માટે તેમણે લાયકાત ચકાસી હોય. ગુરુપૂર્ણિમાના દિવસે આ ગુરુ-પરંપરાનો પ્રારંભ યાદ કરવામાં દિવ્ય અને પવિત્ર આનંદ પ્રાપ્ત થાય.