Mon Oct 05 2026

Logo

ભારતે પાકિસ્તાનને હૉકીમાં પછાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો

Muscat   2026-07-26 13:15:03
Author: Ajay Motiwala
ભારતે પાકિસ્તાનને હૉકીમાં પછાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો

ભારત વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયું: મહિલા ટીમે સિલ્વર મેડલ જીતી લીધો


મસ્કત: ઓમાનમાં અહીં ભારતની સબ જુનિયર મેન્સ હૉકી (Hockey) ટીમે આજે પાકિસ્તાન (Pakistan)ને 3-1થી કચડીને એફઆઈએચ (FIH) યુથ હૉકી-ફાઈવ્ઝ એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

ભારત આખી સ્પર્ધામાં અપરાજિત રહ્યું અને હવે સુવર્ણ વિજેતા બનવા બદલ ભારત આવતા વર્ષે યોજાનારા એફઆઈએચ યુથ હૉકી-ફાઈવ્ઝ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે.

ભારત વતી રોમિત પાલ, કેપ્ટન કેતન કુશવાહા અને શાહરૂખ અલીએ એક-એક ગોલ કર્યો હતો અને પાકિસ્તાનની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું હતું.

ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ પાકિસ્તાનને દબાણમાં રાખ્યું હતું અને ઝડપી પાસિંગ તેમ જ મજબૂત ડિફેન્સની મદદથી આખી મૅચ પર અંકુશ જાળવી રાખ્યો હતો.

ભારત વતી પહેલા બે ગોલ અનુક્રમે પાંચમી અને 12મી મિનિટમાં થયા હતા. 13મી મિનિટમાં શાહરૂખ અલીએ ગોલ કર્યો હતો. પાકિસ્તાનના મોહમ્મદ ઉસ્માને 16મી મિનિટમાં ગોલ કર્યો હતો જે પાકિસ્તાનનો આ મૅચમાં એકમાત્ર ગોલ હતો. જોકે પાકિસ્તાન માટે ત્યારે કમબૅક કરવું બહુ મોડું થઈ ગયું હતું.

ભારતની મહિલા ટીમે આ જ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ચીન સામે પરાજિત થતાં સિલ્વર મેડલથી સંતોષ માની લેવો પડ્યો હતો.