Mon Jul 27 2026

Logo

રણની ધગધગતી રેતીમાં પ્રગટેલો ઇશ્ક-એ-ઇલાહીનો અખંડ દીવડો  -રાબિયા બસરી

2026-07-27 10:10:00
Author: Bhargav Thakar
Article Image

આતમના અજવાળે - ભાર્ગવ ઠાકર 

ઈસવીસન આઠમી સદીનો એ રોમાંચક અને ઊથલપાથલભર્યો સમય હતો, જ્યારે સમગ્ર ઇસ્લામિક જગત ‘ઉમયદ’ શાસનમાંથી ‘અબ્બાસી’ ખિલાફત તરફ રક્તરંજિત રાજકીય સંક્રમણ કરી રહ્યું હતું. એક તરફ દજલા અને ફરાત નદીઓના સંગમ પર વસેલા બસરા શહેરમાં વેપાર, વૈભવ અને સત્તાની ખેંચતાણ ચરમ પર હતી, તો બીજી તરફ આ ભૌતિકવાદી અંધકારને ચીરવા માટે ઈરાકના રેતાળ પ્રદેશમાં એક દિવ્ય પ્રકાશનો જન્મ થયો રાબિયા અલ-અદવિયાનો. અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલી, પરિવારની ચોથી પુત્રી હોવાથી ‘રાબિયા’(ચોથો ભાગ) નામ પડ્યું. રાબિયાની કસોટીઓ નાનપણથી જ શરૂ થઈ ગઈ હતી. દુષ્કાળના કપરા કાળમાં પિતાની છત્રછાયા ગુમાવી. પરિવારથી વિખૂટી પડી અને ગુલામ બજારમાં વેચાઈ ગઈ, પરંતુ જ્યારે આ ઘટનાઓનું વિશ્ર્લેષણ કરીએ, ત્યારે સમજાય છે કે જેના રગેરગમાં ખુદ પરમાત્માનો વાસ હોય તેને ગુલામીની બેડીઓ ક્યાંથી બાંધી શકે!  

ગુલામીના એ કઠોર દિવસોમાં આખો દિવસ કાળી મજૂરી કર્યા પછી પણ, રાત પડતાં જ રાબિયાનો આત્મા ઈબાદતમાં પરમાત્મા સાથે એકાકાર થઈ જતો હતો. એક રાત્રે તેમના માલિકે બારીમાંથી એક અદ્ભુત દૃશ્ય જોયું; ખુદાની બંદગીમાં ઝૂકેલા રાબિયાના મસ્તક પર એક એવો દૈવી નૂર (પ્રકાશ) ઝળહળી રહ્યો હતો જેણે આખા ઓરડાને રોશન કરી દીધો હતો. તે સમયે રાબિયાના હૃદયમાંથી ઈશ્વર માટેનો જે આર્તનાદ નીકળ્યો, તે તેમની સર્જનાત્મક ભક્તિનો પ્રથમ અને અત્યંત માર્મિક પડઘો હતો, રાબિયા પ્રાર્થના કરી રહ્યા હતા કે ‘હે મારા મૌલા, તું જાણે છે કે મારું હૃદય તારા આદેશોનું પાલન કરવા આતુર છે, જો મારી પાસે સત્તા હોત, તો હું એક ક્ષણ પણ તારી સેવાથી અળગી ન રહેત; પરંતુ તેં મને સંસારી માણસના બંધનમાં મૂકી છે, એટલે હું વિલંબથી આવું છું’. 

આ શબ્દોમાં રહેલી તડપ અને દિવ્યતાથી, પથ્થરદિલ માલિકનું હૃદય પણ પીગળી ગયું અને તેણે રાબિયાને આઝાદ કરી દીધા. મુક્તિ પામ્યા બાદ તેમણે બસરાના રણમાં પોતાની એક નાનકડી ઝૂંપડી બાંધી, જ્યાં માત્ર એક તૂટેલો ઘડો, એક ચટાઈ અને ઈંટના ઓશિકા સાથે સાદાઈ અને સર્જનનો અનોખો સંગમ રચાયો.  

આ નાનકડી ઝૂંપડીમાંથી જે આધ્યાત્મિક ક્રાંતિ જન્મી તેણે તત્કાલીન મોટા વિદ્વાનોને પણ નતમસ્તક કરી દીધા અને આખા ઇરાકમાં તેમની ભક્તિની સુવાસ પ્રસરી ગઈ. તેમની દૃષ્ટિએ ચમત્કારોનું કોઈ મૂલ્ય નહોતું; એકવાર સંત હસન બસરીએ પાણી પર ચટાઈ બિછાવી કરામત દેખાડી, તો રાબિયાએ હવામાં ચટાઈ ફેલાવીને સ્પષ્ટતા કરી કે, જે કામ માછલી કે માખી પણ કરી શકે તેને કરામત ન કહેવાય, અસલ કરામત તો આપણા અહંકારને મારીને અલ્લાહના પ્રેમમાં ફના થઈ જવામાં છે. 

 જે આત્મા પરમાત્માના વિરહમાં આટલો તડપતો હોય, તેને સંસારી પ્રેમ ક્યાંથી સ્પર્શી શકે? લગ્ન વિશે પૂછતાં તેમણે કહેલું કે મારું મન એ વાતથી સતત ચિંતિત છે કે હું મારું ઈમાન (પ્રભુ પ્રત્યેનો નિ:સ્વાર્થ પ્રેમ) જાળવી શકીશ નહીં ત્યારે સાંસારિક પ્રેમ માટે સમય ક્યાંથી રહે? 

રાબિયા બસરીએ તત્કાલીન સૂફીવાદમાં મોટું પરિવર્તન આણતા ‘ખૌફ’ (ભય)ના સ્થાને ‘હુબ’ (પ્રેમ)ની ક્રાંતિકારી વિભાવના સ્થાપી. એક દિવસ હાથમાં સળગતું લાકડું અને પાણીથી ભરેલું પાત્ર લઈ દોડતી રાબિયાએ લોકોને કહ્યું કે ‘હું અગ્નિથી જન્નતને સળગાવવા અને પાણીથી દોઝખની આગ ઓલવવા જઈ રહી છું, જેથી લોકો ડર કે લાલચથી નહીં, પણ માત્ર નિ:સ્વાર્થ પ્રેમ માટે ઈશ્વરને ભજે.’ તેમણે ‘ઈશ્ક-એ-હકીકી’ની વ્યાખ્યા કરતા પોતાની અમર રચનામાં ગાયું છે કે ‘મેં તને બે રીતે પ્રેમ કર્યો છે: એક પ્રેમ જે મારા સ્વાર્થ માટે છે - કે હું તને ભજીને તારા દર્શન પામું; અને બીજો પ્રેમ જે તારા સન્માનને લાયક છે - કે હું બસ તારામાં જ ખોવાઈ જાઉં, આ બંને પ્રેમમાં મારો કોઈ યશ નથી, બધો યશ તારો જ છે કે તેં મને પ્રેમ કરવાની હિંમત આપી.’  

રાબિયાની રચનાઓમાં ઈશ્વર કોઈ ડરામણો ન્યાયાધીશ નહીં, પણ વહાલો ‘પ્રિયતમ’ બનીને આવે છે. આ અદ્વૈત પ્રેમની ઊંડાઈ તેમની અન્ય એક હૃદયસ્પર્શી કવિતામાં વણાયેલી છે 

‘હે પ્રભુ! તું જ મારો આનંદ છે, તું જ મારું જીવન છે અને તું જ મારો આધાર છે... તું જ મારો સાચો સાથી છે, તું જ મારું અંતિમ લક્ષ્ય છે અને આ જીવનની સફરનું ભાથું પણ તું જ છે.’ 

ઈશ્વર સાથેનો તેમનો આ સંબંધ એટલો ગાઢ હતો કે વસંતની એક સાંજે તેમની સેવિકાએ અલ્લાહ દ્વારા નિર્મિત કુદરતી સૌંદર્યને જોવા અને માણવા બહાર આવવા વિનંતી કરી, ત્યારે રાબિયાએ અંદર બેઠા બેઠા જ જવાબ આપ્યો, ‘તું બહારની કૃતિ જોઈને રાજી થાય છે? જરા અંદર તો આવ અને આ ‘કૃતિના સર્જક’ ને જો, બહારની એ સુંદરતા તો સમયવત કરમાઈ જશે, પણ આ અંદરનું સૌંદર્ય ક્યારેય મુરઝાતું નથી.’  

ઈ.સ. 801ની એ કરુણ છતાં અત્યંત ભવ્ય સાંજ આવી, જ્યારે બસરાની ગલીઓમાં આ પરમ પ્રેમિકાના જીવનનો દીવો ધીમો પડી રહ્યો હતો. રાબિયા માટે આ મૃત્યુનો ભય નહોતો, સદીઓના વિરહનો અંત અને પોતાના પ્રિયતમ સાથેના ‘વસ્લ’ (મિલન)નો ઉત્સવ હતો. તેમણે શિષ્યોને ઓરડાની બહાર જવાની વિનંતી કરી જેથી તેમના ‘પ્રિયતમ’ના દૂતો તેમને લેવા આવી શકે. અંતિમ શ્વાસ લેતી વખતે પણ તેમની ભક્તિ અને પસ્તાવો અકબંધ હતા; તેમણે અત્યંત કરુણા સાથે પ્રાર્થના કરી ‘હે મારા અલ્લાહ! તારા સ્મરણ સિવાય મેં જે જે પળોમાં આનંદ માણ્યો હોય, તે દરેક પળ માટે હું તારી ક્ષમા માગુ છું.’ 

દેહ છોડતા પહેલા તેમણે હૃદયદ્રાવક પંક્તિઓ ગણગણી...

‘ઓ મુસાફર! હવે મંઝિલ અત્યંત નજીક છે... મેં આખી જિંદગી તારી શોધમાં રડતા ગાળી છે, હવે મને તારી મહોબ્બતની આગોશમાં લઈ લે, કારણ કે હવે આ આત્માને આ દેહનું પિંજરું નથી ગમતું.’ 

જ્યારે શિષ્યો પાછા ફર્યા ત્યારે રાબિયાના ચહેરા પર કોઈ નવવધૂ જેવી પરમ તૃપ્તિ અને નૂર વિખરાયેલું હતું અને ઓરડામાં પૃથ્વીના કોઈપણ અત્તરમાં ન હોય તેવી અલૌકિક સુગંધ પ્રસરી ગઈ હતી. એક ગરીબ ગુલામ સ્ત્રીથી લઈને સૂફી જગતના શિખર સુધીની તેમની આ યાત્રાએ જગતને એક અમર સંદેશ આપ્યો કે ઈશ્વર આકાશમાં નથી પણ આપણી ભીતર છે અને પ્રેમ જ સાચો પરમાત્મા છે.