Wed May 13 2026

Logo

ઈરાને ફરી દુનિયાની વધારી ચિંતાઃ ઓઈલ નહીં આ વસ્તુને હથિયાર બનાવી હવે 80 ટકા વિશ્વને લઈ શકે છે બાનમાં

Tehran   2026-05-13 15:15:27
Author: Mayur Patel
Article Image

તેહરાનઃ ઈરાને ફરી સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે. ઈરાને તેની સીમામાંથી નીકળતા ઈન્ટરનેટ કેબલ્સ પર કંટ્રોલ વધારવાની તૈયારી કરી હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે. મામલો માત્ર સ્પીડનો જ નથી પરંતુ ગ્લોબલ ડેટા, ઓનલાઈન બેંકિંગ, ક્લાઉડ સર્વિસ અને અબજો ડૉલરની ડિજિટલ ઈકોનોમીનો છે.

હાર્મુઝની ખાડી અને ફારસની ખાડીમાંથી માત્ર ઓઈલ ટેન્કરો જ નહીં પણ વિશ્વ માટે ખૂબ મહત્વનો અંડરસી ઈન્ટરનેટ કેબલ્સ પણ પસાર થાય છે. આ કેબલ્સ એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટને ઈન્ટરનેટ સાથે જોડે છે. રિપોર્ટ મુજબ, આ ઈન્ટરનેટ કેબલ્સથી કમાણી કરી શકાય છે.  તેથી ઈરાને અહીં પણ ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે.

અમુક રિપોર્ટમાં તેને ડિજિટલ ટોલ બૂથ જેવું મૉડલ ગણાવાયું છે, એટલે કે જે કંપનીઓ કે નેટવર્ક આ કેબલ્સનો ઉપયોગ કરશે તેમની પાસેથી ચાર્જ લેવામાં આવી શકે છે. આ કેબલ્સથી દિવસ દરમિયાન મોટી માત્રમાં ડિજિટલ ટ્રાફિક પસાર થાય છે, જેમાં બેંકિંગ ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ ડેટા, સોશિયલ મીડિયા ટ્રાફિક અને AI સર્વિસ સામેલ છે.

ઈન્ટરનેટનો આશરે 95થી 99 ટકા ટ્રાફિક દરિયામાં બીછાવેલા ફાઈબર કેબલ્સથી પસાર થાય છે. જો તેમાં કોઈ ખરાબી આવે કે જાણી જોઈને નુકસાન પહોંચાડવામાં આવે તો અનેક દેશોમાં ઈન્ટરનેટ, બેંકિંગ અને ક્લાઉડ સર્વિસ પર અસર પડી શકે છે. હોર્મઝની ખાડી માત્ર ઓઈલનો જ માર્ગ નથી પરંતુ ડિજિટલ વર્લ્ડનું મોટું સેન્ટર બની ચુક્યું છે. અહીંયાથી પસાર થતાં કેબલ્સ એશિયા અને યુરોપને જોડે છે.

આ બાબત માત્ર કમાણી સુધી સીમિત નથી. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈરાન ભવિષ્યમાં વિદેશી ટેક કંપનીઓને પોતાના નિયમો માનવા માટે મજબૂર કરી શકે છે. એટલું જ નહીં, કેબલના સમારકામ અને મેઇન્ટેનન્સનું કામ પણ પોતાના નિયંત્રણમાં લઈ શકે છે.

ટેક નિષ્ણાતોનો ડર એ છે કે જો કોઈ દિવસ આ કેબલ્સ પર તણાવ વધ્યો અથવા તેમને નુકસાન થયું, તો તેની અસર માત્ર મિડલ ઈસ્ટ સુધી જ મર્યાદીત નહીં રહે. ભારત સહિત એશિયાના ઘણા દેશોની ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ પ્રભાવિત થઈ શકે છે. વીડિયો કોલથી લઈને UPI પેમેન્ટ અને AI સર્વર સુધી તેની અસર અનુભવાઈ શકે છે.

હવે દુનિયાની ચિંતા એ છે કે જો ભવિષ્યમાં ઇન્ટરનેટ પણ ઓઈલની જેમ ભૌગોલિક રાજકીય (જીઓપોલિટિકલ) હથિયાર બની ગયું, તો પરિસ્થિતિ કેટલી બદલાઈ શકે છે. અત્યાર સુધી દેશો ઓઈલનો પુરવઠો રોકવાની ધમકી આપતા હતા, પરંતુ આવનારા સમયમાં ઇન્ટરનેટ કેબલ્સ પણ દબાણ લાવવાનું એક મોટું સાધન બની શકે છે.