હેન્રી શાસ્ત્રી
બંટીભાઈનાં ‘બાળકો’ પર્યાવરણના રક્ષક
સરકારી નોકરી એટલે પારકે પૈસે ભાણું એવી વ્યાખ્યા વર્ષોથી રૂઢ થઈ છે. જોકે, જનતાને બદલે ખુદની જ રક્ષા કરવાને પ્રાધાન્ય આપતા સરકારી વિભાગમાં પર્યાવરણની રક્ષાનું મહત્ત્વ સમજી જનતાનું ઈષ્ટ ઇચ્છતા લોકો જોવા મળે ત્યારે ‘આપણે દેશ આનંદ ભયો જય ભારત માતા કી’ કહેવાનું મન જરૂર થઈ જાય.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી એક સ્ટોરી અનુસાર હાથમાં દંડૂકો લઈ રોફ જમાવતા અને પ્રસંગોપાત સુરક્ષા પ્રદાન કરતા એક પોલીસ કર્મી નિસ્વાર્થ ભાવથી પર્યાવરણનું રક્ષણ પણ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં પોલીસ ખાતામાં નોકરી કરતા બંટીભાઈએ છેલ્લાં આઠ વર્ષમાં એક હજારથી વધુ છોડનું વાવેતર કરી પર્યાવરણ બહેતર બને એનું ધ્યાન રાખ્યું છે. સોશ્યલ મીડિયા પર એક ‘ગ્રીન આર્મી’ નામનું ગ્રુપ બનાવી એમાં જિલ્લા અધિકારી, સજાગ નાગરિકો અને વેપારી સમુદાયને જોડી પોતાના પ્રયાસને વ્યાપક અને હેતુપૂર્ણ બનાવ્યો છે. આજે એક લોક-અભિયાન બની ગયેલી પ્રવૃત્તિ પાછળ બંટી ભાઈની વર્ષો જૂની તપસ્યા છે. પોતાના નિવાસ્થાનની નજીક પાંચ - પચીસ છોડવા રોપી રોજ પોતે પાણી પીવડાવવાનું, ખાતર નાખવાનું અને અન્ય જરૂરી કામ જાતે કરતા હતા. એમની ભાવના આસપાસના રહેવાસીઓને સ્પર્શી ગઈ અને ધીરે ધીરે એક મિશન બની ગઈ. છોડ રોપવા અને પાણી પીવરાવવાની જવાબદારી પૂરતા બંટી ભાઈ સીમિત નથી રહ્યા. વિકસી રહેલા છોડની કાપણી - છાંટણી પણ જાતે જ કરે છે. એનો વિસ્તાર વધે એટલે ફરતે કાંટાળી વાડથી તેમજ રસીથી બાંધી એનું રક્ષણ સુધ્ધાં કરે છે. આવાસ સોસાયટીઓ, પોલીસ સ્ટેશન, સ્કૂલ-કૉલેજ કે રમતના મેદાન હોય, બંટી ભાઈનાં ‘બાળકો’ બધે ખીલી ઉઠ્યાં છે. અનેક છોડ આજે વટવૃક્ષ બની લોકોને છાંયડો અને અન્ય રાહત આપી રહ્યા છે.
પ્રેગ્નન્ટ મહિલાઓના ‘એમ્બ્યુલન્સ ભૈયા’
મોસાળમાં મામા ભાણિયાઓને લાડ લડાવે એ આપણા સમાજની આગવી વિશેષતા અને પરંપરા છે. વેકેશન પડતાં જ ‘મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે’નું રટણ શરૂ થઈ જાય. જોકે, તીખી સેવ અને મધ્ય પ્રદેશના ‘ગોલ્ડ કૅપિટલ’ તરીકે પ્રખ્યાત રતલામમાં એક મામા તો ભાણી-ભાણિયાઓની કાળજી એમના જન્મ પહેલાં જ લઈ રહ્યા હોવાની હૃદયસ્પર્શી અને માનવતા કેવી મહેકે છે એનું ઉદાહરણ જાણવા મળ્યું છે.
‘ઍમ્બ્યુલન્સ ભૈયા’ તરીકે પ્રચલિત નરેન્દ્ર સિંહ ડોડિયા સ્વેછાએ છેલ્લાં પાંચ વર્ષથી રાતી પાઈ લીધા વિના પ્રસવની પીડા ઊપડી હોય એવી પ્રેગ્નન્ટ મહિલાઓ તેમ જ અત્યંત નાજુક તબિયત હોય એવા દર્દીઓને હૉસ્પિટલ પહોંચાડવાનું નેક કાર્ય કરી રહ્યા છે. 2021ના કોવિડ 19ની મહામારીના કાળમાં રતલામ જિલ્લાના ગુલબાલોદ ગામની સગર્ભા મહિલાઓ અને અન્ય દર્દીઓને 115 કિલોમીટર દૂર આવેલી હૉસ્પિટલ સુધી પહોંચવામાં આપદા પડતી હતી. વળી ગામના આસપાસના વિસ્તારમાં આરોગ્ય સેવાના ફાંફાં હતાં.
આ પરિસ્થતિ જોઈને નરેન્દ્રનું હૃદય દ્રવી ઊઠ્યું અને જરૂરિયાતમંદ લોકોને સહાય કરવા વિનામૂલ્યે ઍમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરી. પાંચ વર્ષથી એકધારી નિસ્વાર્થ સેવાને કારણે નરેન્દ્રભાઈ ‘ઍમ્બ્યુલન્સ ભૈયા’ તરીકે પ્રખ્યાત થયા. આજે ઘણી ‘બહેનો’ ભાઈને આશીર્વાદ આપી એનાં ઓવારણાં લે છે અને ભાણેજરા મોટા થઈ મામાનું ધ્યાન રાખશે એવી આશા હૈયે રાખી બેઠા છે.
શાને કાજે ઑફિસર, મારે કરવી ધંધામાં અનીતિ?
નરસિંહ મહેતાનું એક અદ્ભુત પડકાર આપતું પ્રભાતિયું છે ‘જળકમળ છાંડી જાને બાળા’. કૃષ્ણ-કાળી નાગના આ પ્રભાતિયામાં એક પંક્તિ આવે છે ‘શું કરું નાગણ હાર તારો શું કરું તારો દોરિયો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરિયો?’
ટૂંકમાં બાળ કૃષ્ણ નાગણને કહે છે કે મને તારા હારનો ખપ નથી અને તારે શું કામ ઘરમાં ચોરી કરવી - અનીતિ કરવી જોઈએ?
આ પંક્તિનો ભાવ જાળવતી એક ઘટના મુંબઈ મહાનગરમાં બની ગઈ. વાત એમ છે કે કોઈ કંપનીના ઑફિસર રિક્ષામાં જઈ રહ્યા હતા અને નિયત સ્થળે પહોંચ્યા બાદ રિક્ષા ડ્રાઇવરને 156 રૂપિયા ચૂકવવાના હતા એના બદલે ઉતાવળમાં ડિજિટલ પેમેન્ટથી 15,682 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. ઑફિસમાં પહોંચી બૅન્ક-મેસેજ જોતાં સાહેબને ખ્યાલ આવી ગયો કે લોચો મારી દીધો છે. આ જમાનામાં કોઈને આટલી મોટી રકમ વગર મહેનતે મળી હોય તો પાછી થોડી આપે એ જાણતા હોવા છતાં ઑફિસરે રિક્ષા ડ્રાઇવરને ફોન કર્યો. સદ્નસીબ+ આશ્ર્ચર્યના મિશ્રણ સાથે એ કૉલ રિક્ષાચાલકે રિસીવ કર્યો અને પેમેન્ટમાં ગરબડ થઈ હોવાનું સ્વીકાર્યું. આટલું આશ્ર્ચર્ય ઓછું હોય એમ ડ્રાઈવરે આંચકાનો બીજો મોટો ડોઝ આપી ‘શાને કાજે ઑફિસર મારે કરવી ધંધામાં અનીતિ?’ના ભાવ સાથે સહેજ પણ અચકાયા વિના પૂરેપૂરા 15 હજાર 682 રૂપિયા ઑફિસરને પરત કરી દીધા. કંપની ઑફિસરે આ આખોય કિસ્સો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ડ્રાઇવર માટે તારીફના પુલ બાંધી એની વૃત્તિનાં મોંફાટ વખાણ કયાર્ં. દૈનિક જીવનમાં પ્રમાણિકતાનું આવું સ્વરૂપ ક્યારેક જ જોવા મળતું હોય છે એનો ઉલ્લેખ કરી નેટીઝનોએ રિક્ષાચાલકનાં ઓવારણાં લીધાં. સારી વાત છે. ડ્રાઇવરની પ્રશંસા કરવી જ જોઈએ. જોકે, સાથે સાથે પેલા ઑફિસરે ભાડાના મૂળ 156 રૂપિયા ચૂકવ્યા કે નહીં એની સ્પષ્ટતા પણ ઑફિસર પાસે માગવી જોઈતી હતી!.
કૉક્રોચ ‘ધ ઑસ્ટ્રેલિયન પાર્ટી’
આપણા દેશમાં પ્રથમ ચીફ જસ્ટિસની ટિપ્પણી અને ત્યાર બાદ એક્ઝામ પેપર લીકના મુદ્દાના કારણે વાંદો અથવા વંદો અને એક નવતર પક્ષ ‘કૉક્રોચ જનતા પાર્ટી’ ખાસ્સા ગાજી રહ્યાં છે. તાજેતરમાં ભારતથી લગભગ 8 હજાર કિલોમીટર દૂર ઑસ્ટ્રેલિયામાં પણ કૉક્રોચ અલગ કારણસર ધૂમ મચાવી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાના ક્લાઇમેટ ચેન્જ, એનર્જી, એન્વાયરમેન્ટ ઍન્ડ વૉટર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર એક કમર્શિયલ બ્રીડર (વાંદા ઉછેર વ્યાવસાયિક) પાસેથી એક લાખ જીવંત વાંદા ગેરકાયદે મળી આવતાં એ જપ્ત કરવામાં આવ્યા હતા. દરોડામાં મળી આવેલા મડાગાસ્કર હિસિંગ કૉક્રોચ અને ડુબિયા કૉક્રોચ (આફ્રિકન ટાપુ મડાગાસ્કરના પાંખ વગરના અવાજ કરતા વાંદા અને સાઉથ અમેરિકાના પાંખ વગરના વાંદા)ની કિંમત બે લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર (આશરે એક કરોડ 36 લાખ રૂપિયા) આંકવામાં આવી છે. મડાગાસ્કર હિસિંગ પ્રજાતિના વાંદા વિશ્વના સૌથી મોટા કદના (પાંચથી આઠ સેન્ટિમીટર લંબાઈ) હોય છે. બ્રાઉન કલરના હાડકાં વિનાના આ જીવની તસવીર ઑસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં વાંદો વ્યક્તિની આંગળી કરતાં વધુ લંબાઈનો નજરે પડે છે.
ઑસ્ટ્રેલિયાના સ્થાનિક વાંદા (અઢીથી સાડા ત્રણ સેન્ટિમીટર) કરતાં મડાગાસ્કરના જીવ ખાસ્સા લાંબા છે. ઑસ્ટ્રેલિયાનું ઉષ્ણકટિબંધ હવામાન વાંદાને માફક આવતું હોવાથી અહીં વિશાળ સંખ્યામાં અને વિવિધ પ્રજાતિના વાંદાની વસ્તી જોવા મળે છે. માહિતી અનુસાર સરીસૃપ વર્ગના પ્રાણીઓ (રેપ્ટાઇલ્સ)ના ખોરાક તરીકે આ વાંદા મહત્ત્વના ગણાય છે, કારણ કે એમનું કદ મોટું હોવાથી ઓછી સંખ્યામાં કામ ચાલી જાય છે. સરવાળે પૈસા ઓછા લાગે છે. મડાગાસ્કર હિસિંગ કૉક્રોચ અને ડુબિયા કૉક્રોચ ઑસ્ટ્રેલિયામાં ઇમ્પોર્ટ કરવા ગેરકાયદે છે અને કાયદેસર રીતે તેમને ઑસ્ટ્રેલિયામાં રાખવા, ઉછેરવા કે વેચવા પર પ્રતિબંધ છે. સત્તાવાર માહિતી અનુસાર જપ્ત કરવામાં આવેલા આ વાંદા ‘યુથેનાઇઝ’ (ઇરાદાપૂર્વક પીડા ન થાય એ રીતે જીવનો અંત લાવવો) કરવામાં આવશે. એક લાલચુને કારણે એક લાખ જીવ નાશ પામશે.
લ્યો કરો વાત
‘મમ્મીની તબિયત સારી નથી’ એવું કહી તમે આઇપીએલની મૅચ જોવા ગયા હો અને બિઝનેસની મીટિંગને બહાને એ જ મૅચ જોવા આવેલા બૉસ જો તમને જોઈ જાય તો? અને પછી ઑફિસમાં તમારાં મમ્મી હૉસ્પિટલમાં છે એનો કોઈ પુરાવો માગે તો?
‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ના અહેવાલ અનુસાર એક ચીની કર્મચારીને ચિંગ મિંગફેસ્ટિવલમાં હાજરી આપવા 12 દિવસની રજા જોઈતી હતી. આ મહોત્સવમાં ચાઇનીઝ લોકો પૂર્વજોની સમાધિ (કબર)ની મુલાકાત લઈ તેની સાફ સફાઈ કરી ફૂલ ચડાવી આદર વ્યક્ત કરે છે. બૉસે પરાણે રજા મંજૂર કરી અને સવાલ કર્યો કે ‘પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવા 12 દિવસની રજાની શી જરૂર છે?’ એવો સવાલ કરી સમાધિનો ફોટોગ્રાફ પુરાવા તરીકે રજૂ કરવાનો આગ્રહ રાખતા કર્મચારી વ્યથિત થયો.