Wed Jun 10 2026

Logo

અમેરિકામાં ઇરાન-તરફી ફૂટબૉલપ્રેમીઓ ફૂટબૉલ વર્લ્ડ કપની મૅચ જોઈ શકશે? ફિફાએ લીધો આ મોટો નિર્ણય

Tijuana   2026-06-09 17:30:30
Author: Ajay Motiwala
Article Image

તિજુઆના (મેક્સિકો): 11મી જૂને અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં શરૂ થનારા ફિફા વર્લ્ડ કપ દરમ્યાન અમેરિકામાં ઇરાન (Iran)ની જે ત્રણ લીગ મૅચ રમાવાની છે એ માટે ઇરાન-તરફી ફૂટબૉલપ્રેમીઓને ટિકિટ (Ticket) વહેંચવામાં આવશે કે નહીં એ વિશે ઘણા દિવસોથી મૂંઝવણ હતી, પણ ફિફાએ મહત્ત્વનો નિર્ણય લઈને સ્થિતિને સ્પષ્ટ કરી દીધી છે.

સામાન્ય રીતે જે સ્ટેડિયમમાં વર્લ્ડ કપની જે મૅચ રમાવાની હોય એના બન્ને હરીફ દેશના રાષ્ટ્રીય ફૂટબૉલ ફેડરેશનને સ્ટેડિયમમાં કુલ સીટની સંખ્યાની આઠ ટકા ટિકિટ આપવામાં આવતી હોય છે કે જે પોતાના દેશની ટીમ સાથે સંકળાયેલા સપોર્ટરો (Supporters)ને આપી શકે. આ વખતના વર્લ્ડ કપમાં કુલ 48 દેશની ટીમ ભાગ લેશે અને એમાં પ્રત્યેક દેશના ફેડરેશન માટે ફિફા ટિકિટની વહેંચણીની વ્યવસ્થા કરવાની છે.

જોકે ઇરાન 15મી જૂને લૉસ ઍન્જલસમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પોતાની પ્રથમ મૅચ રમે એના ગણતરીના દિવસો પહેલાં જ ઇરાનના ફૂટબૉલ ફેડરેશને જાહેરાત કરવી પડી છે કે એ ઇરાનની ટીમના સપોર્ટરોને ટિકિટો નહીં આપી શકે.

ઉલ્લેખનીય છે કે ઇરાન અને અમેરિકા વચ્ચે બે મહિનાથી યુદ્ધ ચાલે છે અને હાલમાં યુદ્ધવિરામ બાદ ફરી બન્ને દેશ વચ્ચેની ગરમાગરમી વધી ગઈ છે. ઇરાનની ફૂટબૉલ ટીમે પ્રૅક્ટિસના કૅમ્પ માટેનો બેઝ અમેરિકાથી બદલીને મેક્સિકોમાં રાખ્યો છે.