Wed Jun 10 2026

Logo

અઠવાડિયામાં દીદીને બીજો મોટો ફટકો, રાજ્યસભાના સાંસદ સુષ્મિતા દેવે રાજીનામું આપ્યું

2026-06-10 12:35:00
Author: mumbai samachar team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં જ્યારથી તૃણમૂલ કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં હાર પ્રાપ્ત થઈ છે ત્યારથી દૈનિક ધોરણે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં જ એટલી ખેંચતાણ વધી ગઈ છે કે, એક જ પાર્ટીમાં મોટી તિરાડથી બે જુથ જોવા મળી રહ્યા છે. આ બન્ને જુથ પોતાને અસલ તૃણમૂલ કોંગ્રેસ કહી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રસમાં ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે હવે વાવડ એવા આવ્યા છે કે, તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે રાજીનામું આપી દીધું છે.

 

એક અઠવાડિયામાં મોટો ફટકો
તૃણમૂલ કોંગ્રેસના મુખ્યનેતા મમતા બેનરજીને એક જ અઠવાડિયામાં આ મોટો ફટકો પડ્યો છે. રાજીનામું આપ્યા બાદ રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમા સાથે ખાસ મુલાકાત કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સુષ્મિતા દેવે બુધવારે રાજ્યસભામાંથી રાજીનામું આપી દેતા એકાએક કૉલકાતાનું રાજકારણ ગરમાયું હતું. તૃણમૂલ કોંગ્રેસમાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ પહેલા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાત લોકોએ રાજીનામું આપ્યું ત્યારે દિલ્હીના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. બુધવારે સુષ્મિતા દેવા રાજ્યસભા સચિવાલય પહોંચીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. 

અસંતોષની આગ ઉપર આવી
આ પગલું તેણે એવા સમયે ભર્યું છે જ્યારે પશ્ચિમ બંગાળની વિધાસભાની ચૂંટણી બાદ TMCમાં રાતોરાત અસંતોષની આગ ઊઠી છે. એવામાં કેટલાક નેતાઓ પાર્ટી છોડી શકે છે એવી ચર્ચા પણ છે. સુષ્મિતા દેવ તૃણમૂલ કોંગ્રેસના એ નેતાઓમાં સામેલ છે જેને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીનો એક મજબૂત ચહેરો માનવામાં આવે છે. સુષ્મિતા કોંગ્રેસ છોડીને વર્ષ 2021માં તૃણમૂલ કોંગ્રેસમાં આવી હતી, એ સમથી તે સંગઠનમાં સક્રિય છે. અચાનક આવું પગલું કેમ ભર્યું અને રાજીનામું શા માટે આપ્યું એ પાછળના કારણો હજુ સુધી તેણે સ્પષ્ટ કર્યા નથી.પણ એના રાજીનામાંથી તૃણમૂલ કોંગ્રેસમાં પડેલી તિરાડ વધારે મોટી થઈ ગઈ છે. બીજી તરફ કૉલકાતામાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ પહેલા કૉલકાતાના મેયરે રાજીનામું આપી દીધું હતું એ સમયે પાર્ટીને ફટકો પડ્યો હતો.સાંસદના આ રાજીનામાને કારણે કૉલકાતાથી લઈને દિલ્હી સુધીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

ભાજપમાં જોડાઈ શકે એવી અટકળ
અટકળ એવી પણ લગાવવામાં આવી રહી છે કે, સુષ્મિતા દેવ ભાજપમાં જોડાઈ શકે છે, આ વિષયને લઈને હજુ સુધી કોઈ પ્રકારની સ્પષ્ટતા તેણે કરી નથી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર થતા તૃણમૂલ કોંગ્રેસમાં પડેલી તિરાડ તથા આંતરિક અસંતોષ સપાટી પર આવી રહ્યા છે. સ્થાનિક સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી અનેક એવા નેતાઓ ધડાધડ રાજીનામા આપી રહ્યા છે.ચિત્ર એવું છે કે, ધીમે ધીમે મમતા દીદી એકલા પડી રહ્યા છે. કાકોલી ઘોષ અને સુખેંદુ શેખર જેવા મોટાકદના નેતા એમનો સાથ છોડી ચૂક્યા છે. સુષ્મિતાના આ નિર્ણયને તૃણમૂલ કોંગ્રેસની મોટી તિરાડ માનવામાં આવે છે.