લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે શ્રાવણ મહિનામાં 30 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રા સરળ અને સલામત રીતે પૂર્ણ થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેની માટે યુપી રોડ ટ્રાન્સપોર્ટ કાવડ યાત્રાળુઓ માટે વધારાની બસો ચલાવાશે. તેમજ સમગ્ર યાત્રા દરમિયાન નજર રાખવા માટે 24 કલાક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે.
ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સ્થાપિત
આ અંગે ટ્રાન્સપોર્ટ મંત્રી દયાશંકર સિંહે નિગમ બસોના સલામત સંચાલન અને મુસાફરોની સુવિધાઓ અંગે અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. જ્યારે પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર પ્રભુ નારાયણ સિંહે જણાવ્યું હતું કે દરેક પ્રાદેશિક મુખ્યાલય પર ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે. આ કંટ્રોલ રૂમ કાવડ યાત્રાની શરૂઆતથી તેના અંત સુધી સતત કાર્યરત રહેશે અને તમામ પ્રવૃત્તિઓનો રેકોર્ડ રાખવામાં આવશે.
હરિદ્વાર જતા યાત્રાળુ માટે વધારાની બસોની વ્યવસ્થા કરાશે
આ ઉપરાંત કાવડ યાત્રા દરમિયાન હરિદ્વાર જતા યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે લખનઉ , અયોધ્યા, ગોરખપુર, વારાણસી અને પ્રયાગરાજ જેવા શહેરોને જોડતા મુખ્ય રૂટ પર જરૂર મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે.
કાવડ માર્ગ પર યાત્રાળુઓની સુવિધા માટે વ્યવસ્થા
આ ઉપરાંત કાવડ માર્ગ પરના બસ સ્ટેશનો પર પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલય, બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, પૂછપરછ કાઉન્ટર, એનાઉનસમેન્ટ સિસ્ટમ અને ખાદ્ય સ્ટોલ જેવી સુવિધાઓ મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.