Sun Jul 26 2026

Logo

ભારે વરસાદ બાદ આખરે ખુલી યાત્રા, છતાં ભક્તો માટે હજુ પણ છે એક મોટું જોખમ!

2026-07-26 20:40:52
Author: Mumbai Samachar Team
Article Image

શ્રીનગરઃ વરસાદ અને ભૂસ્ખલનને કારણે અટકેલી અમરનાથ યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા છ દિવસથી અમરનાથ યાત્રામાં ભૂસ્ખલન અને વરસાદને કારણે બ્રેક લાગી હતી. રવિવારે યાત્રા માટે ભાવિકો જે તે રૂટ પર આગળ વધ્યા હતા. હાલમાં બાલતાલ રૂટ યાત્રા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જ્યારે પહેલગામ રૂટ બંધ છે. બાલતાલ થઈને મુસાફરી કરતા યાત્રાળુઓને સ્થળ પર નોંધણી પણ પૂરી પાડવામાં આવી રહી છે.વરસાદને કારણે છ દિવસ સુધી યાત્રા સ્થગિત રહ્યા બાદ શનિવારે જમ્મુથી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ. 6,269 થી વધુ યાત્રાળુઓનો સમૂહ કાશ્મીરની પવિત્ર ગુફાના દર્શન માટે રવાના થયો. 

18 ગ્રૂપ રવાના થયા

તા.3 જુલાઈથી યાત્રા શરૂ થયા પછી જમ્મુથી રવાના થનાર આ 18મું ગ્રૂપ હતું.આ ગ્રૂપને 223 વાહનોના કાફલામાં લીલી ઝંડી આપવામાં આવી હતી.એક યાત્રા અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રતિકૂળ હવામાનને કારણે, યાત્રા હાલમાં ફક્ત બાલતાલ રૂટ દ્વારા શરૂ કરવામાં આવી છે, જ્યારે પહેલગામ રૂટ સાવચેતીના પગલા અંતર્ગત બંધ છે.

જમ્મુ અને કાશ્મીરમાં સતત વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો મળી રહ્યા છે. તેથી, યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને, લાંબા પહેલગામ રૂટને હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે. હવામાન સામાન્ય થયા પછી પહેલગામ રૂટ દ્વારા કામગીરી ફરી શરૂ કરવામાં આવશે.બાલતાલ રૂટને ટૂંકો પણ થોડો કપરો રૂટ માનવામાં આવે છે. તા.19 જુલાઈના રોજ ઉધમપુર-રામબન સેક્શનમાં ભૂસ્ખલન અને પથ્થરમારા થવાને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી, 

આ કારણે બંન્ને રૂટ પર લાગી બ્રેક

આ કારણે બંને રૂટ પર યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. હવે હવામાનમાં સુધારો થતાં, બાલતાલ રૂટ દ્વારા યાત્રા ફરી શરૂ થઈ છે. માન્ય પરમિટ ધરાવતા યાત્રાળુઓ હવે યાત્રા કરી શકે છે.જેમણે હજુ સુધી પરમિટ મેળવી નથી તેઓ પણ યાત્રા પર આગળ વધી શકે છે, કારણ કે જમ્મુ અને બાલતાલમાં સ્થળ પર પરમિટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કારણે શ્રદ્ધાળુઓને મોટી રાહત થઈ રહી છે. ગ્રૂપમાંથી લોકો આગળ વધી રહ્યા છે. પહેલાં, આ બંને સ્થળોએ ભારે ભીડ રહેતી હતી, જોકે 10 જુલાઈથી સ્વચ્છ હવામાન અને યાત્રાના સુગમ સંચાલનને આધીન, બધા મુલાકાતીઓને બીજા દિવસે મુસાફરી માટે 'ઓન-ધ-સ્પોટ' પરમિટ આપવામાં આવી રહી છે. આ વર્ષે, યાત્રા 57 દિવસ સુધી ચાલવાની છે. તે 3 જુલાઈએ શરૂ થઈ હતી અને 28 ઓગસ્ટે રક્ષાબંધન સાથે સમાપ્ત થશે.આ દરમિયાન બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) એ જમ્મુના રાજૌરી, પૂંછ અને રિયાસીના સરહદી જિલ્લાઓમાં રોડ કનેક્ટિવિટી ફરી શરૂ કરી દેવામાં આવી છે. 

મુખ્ય અધિકારીએ કહી મોટી વાત

વરસાદ અને ભૂસ્ખલનને કારણે નુકસાન પામ્યા હતા. 'પ્રોજેક્ટ સંપર્ક' હેઠળ યુદ્ધના ધોરણે કામ કરતા, BRO એ આ ત્રણ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સુરક્ષા દળોની અવિરત હિલચાલ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લીધાં છે.

આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્ટવાલના જણાવ્યા અનુસાર, BRO ટીમોએ જોખમી પરિસ્થિતિઓ હોવા છતાં પણ માર્ગ પરથી કાટમાળ દૂર કરવા માટે અથાક મહેનત કરી છે. પરિણામે, મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. કેટલાક દૂરના સ્થળોએ કાટમાળ દૂર કરવાની કામગીરી હજુ પણ ચાલુ છે, અને રસ્તાના સમારકામ માટે ઘણી ટીમો આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.