Sun Jul 26 2026

Logo

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે સરકાર માફી માંગે! રાહુલ ગાંધીએ અમિત શાહને લખ્યો પત્ર

2026-07-26 13:21:45
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શન દરમિયાન 20 જુલાઈએ સીજેપી દ્વારા ‘ચલો સંસદ’ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યાં હતાં. આ મામલે હવે વિપક્ષ માંગણી કરી રહ્યું છે કે, સરકાર માફી માંગે! વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યો અને માફી માંગવા માટે માંગણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે અને તેમાં સવાલ પણ કર્યો છે કે, આખરે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. ચાલો જોઈએ સમગ્ર અહેવાલ....

રાહુલ ગાંધીએ પત્રમાં શું લખ્યું?

રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખતા લખ્યું કે, ‘હું 20 જુલાઈ, 2026 માં દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરવા માટે આ પત્ર લખી રહ્યો છું. કોઈ પણ લોકતંત્ર માટે શાંતિપૂર્ણ વિરોધ ખૂબ જરૂરી છે. આવી બર્બર હિંસા દરેક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને રાષ્ટ્રને રોષે ભરે છે. આપણા દેશનું ભવિષ્ય  યુવાનો અને વિદ્યાર્થીઓ અત્યારે જવાબો અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. તેમનો અવાજ સાંભળવામાં આવશે’.

પત્રમાં રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે, ‘સૌથી આઘાતજનક વાત એ કે આ દરમિયાન ઘાતક પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો. મીડિયા અને સોશિયલ મીડિયા રિપોર્ટ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. હું 19 વર્ષના વિદ્યાર્થી સાહિલ લોચાબને મળ્યો, જે પેલેટ ગન વાગ્યા બાદ ખૂબ પીડામાં છે અને સંભવતઃ એક આંખ ગુમાવી શકે છે’.

દિલ્હીમાં જે હિંસા થઈ તે મામલે હવે સરકાર વિપક્ષની વાત માનીને માફી માંગશે કે નહીં? આવા પ્રશ્નો થઈ રહ્યાં છે. સીજેપી દ્વારા પણ આવી જ માંગણી કરવામાં આવી હતી. પરંતુ ધર્મેન્દ્ર પ્રધાને રાજીમાનું આપ્યું તે પછી સીજેપીએ પોતાનું આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. હવે વિપક્ષ દ્વારા સરકારને માફી માંગવા માટે દબાણ કરી રહ્યો છે, તેના માટે રાહુલ ગાંધીએ પત્ર લખીને માંગણી કરી છે. હવે જોવાનું એ રહે છે, સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે.