મુંબઈઃ દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગનું બજેટ બગડી શકે છે. આવનારા દિવસોમાં દરેક પરિવારનું બજેટ ખોરવાય એવા એંધાણ વર્તાય રહ્યા છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડ્કટે એવા સંકેત આપ્યા છે કે, આવનારા દિવસોમાં ટાટાની કેટલીક જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત થયેલા વધારાના પરિણામે કંપનીએ આ નિર્ણય કર્યો હોઈ શકે છે. કાચા માલની સતત વધી રહેલી કિંમતને ધ્યાને લઈને મુખ્ય ઉત્પાદન પર અસર થાય એવી પણ ભીતિ છે. આ કારણે કંપની આવનારા દિવસોમાં કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો કરવાના મૂડમાં છે.
પ્રોફિટ જાળવી રાખવો મુશ્કેલ
કંપનીએ જણાવ્યું હતું કે, જો ઉત્પાદનને તૈયાર કરવાના ખર્ચમાં સતત વધારો થાય છે તો પ્રોફિટ જાળવી રાખવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ કારણે હવે કેટલીક વસ્તુઓના ભાવમાં ફેરફાર કરવાની નોબત આવી છે. આ ઉત્પાદનમાં ચા, મીઠુ અને કેટલીક બ્રાંડેડ દાળનો સમાવેશ થાય છે. હાલમાં કંપની માર્કેટની પરિસ્થિતિ પર સતત વૉચ રાખી રહી છે. આગળની માર્કેટિંગ સ્ટ્રેટજી અનુસાર પગલું ભરીને ભાવ વધારો કરી શકે છે. ભાવ વધવા પાછળના કારણોમાં ક્રૂડ ઓઈલના સતત વધેલા ભાવ છે જેના કારણે કંપનીના ઉત્પાદનને તૈયાર કરવામાં ખર્ચો વધે છે. મીડલ ઈસ્ટમાં સતત તણાવભરી સ્થિતિની માઠી અસર કંપનીને પણ થઈ રહી છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસું મોડું શરૂ થતા ચાની પત્તીના ભાવમાં વધારો થયો છે.
કિંમતમાં ફેરફાર થશે
ભૂક્કી અને ચાયપત્તીવાળી ચા તૈયાર કરવા માટે જરૂરી એવા મૂળ ચાના પાનમાં 7થી 10 ટકાનો સીધો ભાવ વધારો થયો છે. છેલ્લા ત્રણ માસમાં કંપનીની ટોટલ રેવન્યૂ જે કોમોડિટી આધારિત હતી એ ₹5,348.88 કરોડ રહી છે. ગત વર્ષની તુલનામાં 12 ટકા વધારે છે. કંપનીનો નેટ પ્રોફિટ ₹444.86 કરોડ થયો છે. કંપની પ્રાથમિક તબક્કામાં ચાના ભાવમાં વધારો કરવાના મૂડમાં છે. 15થી 30 દિવસ સુધી માર્કેટ પર સતત વૉચ રાખ્યા બાદ કંપની કોઈ મોટો નિર્ણય કરી શકે છે. આ પછી જરૂર પડશે તો કિંમતમાં ફેરફાર કરશે અને નવો સ્ટોક રિલીઝ કરશે. જો આવનારા દિવસોમાં ઉત્પાદન ખર્ચમાં કોઈ સારી રાહત નહીં મળે તો અન્ય ઉત્પાદનની કિંમતમાં વધારો થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.