Wed Jun 10 2026

Logo

ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલની પીછેહઠ સાથે ડૉલર સામે રૂપિયામાં બાવીસ પૈસાનો સુધારો

2026-06-09 19:56:50
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
પશ્ચિમ એશિયાનો ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલમાં વધ્યા મથાળેથી જોવા મળેલા ઘટાડા તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઊંચી સપાટીએથી પાછી ફરી હતી. તેમ જ સ્થાનિક સ્તરે આજે હાજર બજારમાં સંભવીતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો હસ્તક્ષેપ અને ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસાના સુધારા સાથે 95.39ના મથાળે બંધ રહ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.61ના બંધ સામે સાધારણ સુધારા સાથે 95.47ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.67 અને ઉપરમાં 95.23ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે બાવીસ પૈસાના સુધારા સાથે 95.39ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 43 પૈસાનું ધોવાણ થયું હતું. 

એકંદરે પશ્ચિમ એશિયામાં તણાવ હળવો થવા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જળવાઈ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયો 95.10થી 95.80 આસપાસની રેન્જમાં રહેશે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.24 ટકા ઘટીને 99.80 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.04 ટકા ઘટીને બેરલદીઠ 92.33 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા,

જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 394.50 પૉઈન્ટનો અને 119.10 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 555.67 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

દરમિયાન ગત નાણાકીય વર્ષ 2025-26નાં ચોથા ત્રિમાસિકગાળામાં અર્થાત ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ખાસ કરીને સર્વિસીસની નિકાસને ટેકે રેમિટન્સ વધુ રહેતાં ચાલુ ખાતામાં 7.1 અબજ ડૉલરની અથવા તો જીડીપીનાં 0.7 ટકા પુરાંત જોવા મળી હતી, જ્યારે તેનાં આગલા નાણાકીય વર્ષ 2024-25નાં સમાનગાળામાં પુરાંત 13.7 અબજ ડૉલર અથવા તો જીડીપીના 1.4 ટકાના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. જોકે, ગત સમગ્ર નાણાકીય વર્ષ 2025-26માં દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 25.2 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે તેનાં આગલા નાણાકીય વર્ષ 2024-25માં દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 22.9 અબજ ડૉલરના સ્તરે રહી હતી.