Wed Jun 10 2026

Logo

મુકેશ અંબાણી અને માર્ક ઝુકરબર્ગની મોટી ભાગીદારી, દેશનું પ્રથમ AI ડેટા સેન્ટર ગુજરાતમાં સ્થપાશે

2026-06-10 11:30:00
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ ટેક્નોલોજીના ક્ષેત્રે કંઈક મોટું થવા જઈ રહ્યું છે. ગૂગલે કરોડો રૂપિયાનું આંધણ ઓમની, જેમીની અને ફ્લો જેવા AI પ્લેટફોર્મ પર રોકાણ કર્યા બાદ હવે ફેસબુકની માલિકી કંપની મેટા મેદાને ઊતરી છે. વાવડ તો એવા છે કે, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને રીલાયન્સના મુકેશ અંબાણી હાથ મિલાવી શકે છે. નવું AI પ્લેટફોર્મ તૈયાર કરવા માટે બે મોટી ટેક જાયન્ટ કંપની વચ્ચે ડીલ થઈ શકે છે. આનાથી ટેક્નોલોજીનો વધુ એક સૂર્યોદય થશે. 

જામનગરમાં શરૂ થશે ડેટા સેન્ટર
માર્ક ઝુકરબર્ગ અને મુકેશ અંબાણીની ભાગીદારીથી ભારતમાં પહેલું AI ડેટા સેન્ટર શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાવડ સામે આવ્યા બાદ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર શરૂઆતના કારોબારમાં 1.53 ટકાથી વધી 1289 રૂપિયા સુધી પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં મોટી ગણાતી કંપની મેટા ભારતમાં પહેલું AI લેસ ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે રીલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે ભાગીદારી કરશે. ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર વિકસિત કરવામાં આવશે. આને ભારતનું સૌથી મોટું ડિજિટલ ઈન્ફ્રા. માનવામાં આવે છે. ચર્ચા એવી પણ છે કે, આનાથી જીઓની સાથે વધુ એક પ્લેટફોર્મ લોકોને મળી શકે છે. પણ આ પ્લેટફોર્મનું નામ નક્કી નથી. એટલી વાત નક્કી છે કે, આ એક એઆઈ પ્રોડક્ટ હશે. 168 મેગાવૉટનું ડેટાસેન્ટર રીલાયન્સ તૈયાર કરશે. આગામી બે વર્ષમાં આ સેન્ટર જામનગરમાં તૈયાર થઈ જશે. 

નવી પ્રોડક્ટ આવી શકે
આઈટી ઈન્ફ્રા.ની ક્ષમતા વધારવા અને ડિજિટલ ડેટા પ્રોસેસિંગમાં વધુ સવલત માટે હવે વધારે વિકલ્પો ખૂલવા જઈ રહ્યા છે. આ વિષય પર મૂકેશ અંબાણીએ કહ્યું હતું કે,  પ્રોજેક્ટ અંતર્ગત રીલાયન્સ ડેટા સેન્ટરની ડીઝાઈનના નિર્માણ, વીજળી, યુટિલીટી મેનેજમેન્ટ, રીન્યૂએબલ એઆઈ સપોર્ટ, નેટવર્ક ક્નેક્ટિવિટી તથા મેનેજિંગ સર્વિસમાં પોતાની પ્રોડક્ટ લાવી શકે છે. આ એક સર્વિસ બેઝ પોર્ટફોલિયો હશે. આ ડીલ થઈ તો ફેસબુક-મેટા અને રીલાયન્સ વચ્ચે સંબંધો વધારે મજબૂત થઈ જશે. બન્ને કંપનીઓ પહેલા ભારત માટે અને પછી વૈશ્વિક માર્કેટ માટે AIના વધારે સોલ્યુશન લાવશે તથા સર્વિસને અપગ્રેડ કરશે. મુકેશ અંબાણીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારતના ડિજિટલ ઈન્ફ્રા.ના નવનિર્માણ માટે આ ખૂબ જ જરૂરી છે.મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, કંપની પોતાનું પહેલું AI ડેટા સેન્ટર ભારતમાં શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. 

નિષ્ણાંતોનો મત
જામનગરમાં તૈયાર થનારી આ એક વિશ્વસ્તરીય સુવિધા આપણા વૈશ્વિક AI ઈન્ફ્રા.ને વધારશે, ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને ભારતની અર્થવ્યવસ્થામાં લાંબા ગાળા સુધીની યોજનાને વધારે સુવિધાયુક્ત તથા સરળ બનાવી દેશે. આ પ્રોજેક્ટથી ભારતની મોટી છલાંગ એઆઈના પ્રોજેક્ટમાં થશે. મેટા ભારતમાં એઆઈ ડેટા સેન્ટર શરૂ કરીને દેશની સ્થિતિ વૈશ્વિક ઈન્ફ્રા.માં વધારે મજબૂત કરશે. ખાસ કરીને AI ઈકો સિસ્ટમ અંતર્ગત વધારે મજબૂતીથી કામ થશે. નિષ્ણાંતો એવું માને છે કે, આ યોજનાથી ન માત્ર વૈશ્વિક સ્તરે રોકાણ આવશે પણ ડેટા સેન્ટર, ક્લાઉડ કોમ્પ્યુટિંગ તથા AI રીસર્ચ તથા ડિજિટલ સર્વિસમાં એક નવી રોજગારીની દિશાઓ ખૂલી જશે.  મેટા જેવી ગ્લોબલ ટેક્નોલોજીની કંપની માટે ભારતનો આ પ્રોજેક્ટ વિશેષ મહત્ત્વ ધરાવે છે. AIની ક્રાંતિમાં કંપની એક નવી ભૂમિકા ભજવવા માટે પણ તૈયાર છે. જામનગર આ ડેટાસેન્ટરથી હાઈપરસ્કેલ AI કોમ્પ્યુટિંગનું હબ બની રહેશે.