Sun Sep 06 2026

Logo

અફઘાનિસ્તાનમાં ઘુસીને PAK સેનાની બર્બરતા, 11 માસૂમ બાળકો  સહિત 13ના મોત

2026-06-10 10:46:00
Author: Mumbai Samachar Team
અફઘાનિસ્તાનમાં ઘુસીને PAK સેનાની બર્બરતા, 11 માસૂમ બાળકો  સહિત 13ના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર તણાવ ફરી એકવાર વધી ગયો છે. ગઈકાલે (9 જૂન) રાત્રે પાકિસ્તાની સેનાના ફાઈટર વિમાનોએ અફઘાનિસ્તાનની હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં આવેલા સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવીને ભારે બોમ્બમારો કર્યો છે.

આ હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકો મોતને ભેટ્યા છે. અફઘાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, પાકિસ્તાની હુમલાખોર સેનાએ ગઈકાલે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું.

ઝબીઉલ્લાહે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાની ફાઈટર પ્લેનોએ અફઘાનિસ્તાનના ત્રણ મુખ્ય પ્રાંતો - કુનાર, ખોસ્ત અને પક્તિકાના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકોના ઘરો પર આડેધડ બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત 13ના મોત

આ હુમલામાં જાન-માલનું ભારે નુકસાન થયું છે. બોમ્બમારામાં કુલ 13 લોકોના મોત થયા છે, જેમને અફઘાન વહીવટીતંત્રે શહીદ જાહેર કર્યા છે. મૃત્યુ પામનારાઓમાં સૌથી વધુ સંખ્યા માસૂમ બાળકોની છે. આ હુમલામાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે. આ સિવાય હુમલામાં 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ઘણા લોકોની હાલત નાજુક બનેલી છે. સોશિયલ મીડિયા પર આ હુમલા પછીની કેટલીક પીડાદાયક તસવીરો પણ સામે આવી છે, જેમાં ભોગ બનેલા બાળકોની સ્થિતિ જોઈ શકાય છે.

અફઘાનિસ્તાને વ્યક્ત કર્યો સખત વિરોધ

આ હુમલા બાદ અફઘાન સરકારનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પોતાના નિવેદનમાં આ કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે કહ્યું, 'અમે આ અમાનવીય ગુના અને હુમલાની કડક શબ્દોમાં જોરદાર નિંદા કરીએ છીએ.' અફઘાનિસ્તાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન અને સામાન્ય નાગરિકો વિરુદ્ધનો એક ક્રૂર ગુનો ગણાવ્યો છે.