Sun Jul 26 2026

Logo

અમરેલી પોલીસની સરાહનીય કામગીરી, સિડની સ્થિત NRIની ઇ-મેઇલ ફરિયાદ પર 11 લાખ પરત અપાવ્યા

2026-07-26 11:39:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદ, અમરેલીઃ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસને છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક મદદ કરવા અને તેમની મહેનતની કમાણી પાછી મેળવવા તથા તેનું રક્ષણ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવા સૂચના આપી છે, તેમાં હવે કાર્યવાહી થઈ પણ રહી છે. ઓસ્ટ્રેલિયાનાં સિડની શહેરમાં સ્થાયી થયેલા એક બિન-નિવાસી ભારતીય (NRI)એ તેમની સાથે થયેલી છેતરપિંડી સંબધિત એક ઇ-મેઇલ દ્વારા અમરેલી પોલીસને ફરિયાદ કરતા, પોલીસે માત્ર થોડા જ દિવસોમાં ફરિયાદીએ ગુમાવેલા રૂપિયા 11 લાખ પરત અપાવ્યા છે.

પોલીસનો આભાર વ્યક્ત કરતો ઇ-મેઇલ કર્યો

અમરેલી પોલીસની આ ત્વરિત કામગિરીથી ફરિયાદી પ્રભાવિત થઇ ગયા હતા અને પોલીસનો આભાર વ્યક્ત કરતો એક ઇ-મેઇલ કર્યો હતો. ઘટનાની વિગત એવી છે કે, સિડની સ્થિત ભારતીય નાગરિક સૌરભ જોલીએ અમરેલી જિલ્લા પોલીસ વડા (SP)ને જુન (2026)માં ઇ-મેઇલ કરી તેમની સાથે થયેલી રૂપિયા 11 લાખની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. 

અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના જણાવ્યા અનુસાર, મૂળ નવી દિલ્હીના રહેવાસી અને હાલ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા સૌરભ જોલીએ સોનું ખરીદવા માટે એપ્રિલ (2026) અમરેલીના એક વ્યક્તિને રૂપિયા 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે, પેમેન્ટ થઇ ગયુ હોવા છતાં તેમને સોનું ક્યારેય મળ્યુ નહોતુ. જ્યારે તેમણે ફરિયાદ નોંધાવી ત્યારે જોલી ઓસ્ટ્રેલિયામાં હતા. નાણા મેળવનાર વ્યક્તિ અમરેલીમાં રહેતા હતા. 

અમરેલી પોલીસના આ પ્રયાસોના પરિણામે થઈ કાર્યવાહી

વધુમાં એસપી સંજય ખરાતે જણાવ્યું કે, "અમને ફરિયાદી દ્વારા જુન મહિનામાં ઇ-મેઇલ મળતાં જ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને તેમને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. અમારી સાયબર ક્રાઇમ ટીમે સંબંધિત બેંક સાથે સંકલન સાધ્યું, સતત કેસની તપાસ કરી અને તપાસ દરમિયાન ફરિયાદીને પણ સતત માહિતગાર રાખ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસને સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને તેમની કમાણી રક્ષિત કરવા તમામ પ્રયાસો કરવા સૂચના આપી છે.


અમરેલી સાયબર ક્રાઇમ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ ખટાણાએ જણાવ્યું કે, "સૌરભ જોલીએ એપ્રિલ (2026)માં સોનું ખરીદવા માટે રકમ ટ્રાન્સફર કરી હતી, પરંતુ સામેવાળા વ્યક્તિએ સોનું આપ્યુ નહીં. આ કેસમાં નાણા મેળવનાર વ્યક્તિ અમરેલીનો રહેવાસી હતો. અમે મામલાની ગંભીરતા જોઈને નાણાં મેળવનાર વ્યક્તિ સાથે વાત કરી અને પૈસા પાછા આપવા કહ્યું હતું. આખરે તેણે પૂરેપૂરી રકમ પરત કરી દીધી હતી.

ફરિયાદી સૌરભ જોલીએ અમરેલી પોલીસનો આભાર વ્યક્ત

અમરેલી પોલીસની આ ત્વરિત કામગિરી વિશે ફરિયાદી સૌરભ જોલીએ આભાર વ્યક્ત કર્યો છે. સાથે કહ્યું કે, હજારો કિલોમીટર દૂર હોવા છતાં તેમને ક્યારેય એવું ન લાગ્યું કે તેઓ તપાસથી અલગ છે. તેમણે પોલીસ ટીમની ઝડપી કમ્યુનિકેશન, તેમના પ્રશ્નોના નિવારણ માટે દર્શાવેલી ધીરજ અને વ્યવસ્થિત અભિગમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આનાથી પોલીસિંગ સિસ્ટમમાં તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. સાયબર ફ્રોડના વધતા જોખમ પર પ્રકાશ પાડતા જોલીએ અમરેલી સાયબર ક્રાઇમ ટીમની કામગીરીને એક એવું ઉદાહરણ ગણાવ્યું હતું કે કેવી રીતે ઝડપી અને પ્રતિબદ્ધ પોલીસિંગ જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે આ અનુભવે ગુજરાત પોલીસની વ્યાવસાયિકતા અને અસરકારકતામાં તેમનો વિશ્વાસ વધુ દ્રઢ કર્યો છે.