Sun Jul 26 2026

Logo

મહારાષ્ટ્ર સહિત 12થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની શક્યતા

2026-07-26 09:40:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: દેશભરમાં ચોમાસું પૂરેપૂરું સક્રિય થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે. તેજ પવન અને મુસળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થવાની અને વીજ પુરવઠો ખોરવાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કયા રાજ્યમાં કેવી રહેશે વરસાદની સ્થિતિ?

ગુજરાતની વાત કરવામાં આવે તો, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે નવસારી, સુરત, તાપી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, બાવળા અને ભાવનગરમાં ભારે પવન સાથે મુસળધાર વરસાદની ભીતિ છે. રાજધાની દિલ્હીમાં સાંજના સમયે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 

ઉત્તર પ્રદેશના મેરઠ, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને લખનઉ સહિતના વિસ્તારોમાં મેઘ મહેર રહેશે. તો બીજી તરફ બિહારના પટના, મુઝફ્ફરપુર અને દરભંગામાં 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાનું જોખમ રહેલું છે. રાજસ્થાનના કોટા, જયપુર, ઉદયપુર, જોધપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈન, દેવાસ, છિંદવાડા અને હોશંગાબાદમાં પણ 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે.

આ રાજ્યમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો પુણે, થાણે, મુંબઈ, પાલઘર, રત્નાગિરી, બુલઢાણા, અમરાવતી, ગઢચિરોલી અને ગોંદિયામાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે પંજાબના પઠાણકોટ, હોશિયારપુર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, પટિયાલા, સંગરુર, એસએએસ નગર અને રૂપનગર જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. 

પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની શક્યતા

ચોમાસામાં પહાડી વિસ્તારઓમાં વધારે જોખમ રહેતું હોય છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની પણ સંભાવનાઓ વધારે રહેતી હોય છે. ઉત્તરાખંડના ચમોલી, નૈનીતાલ, ઋષિકેશ અને ઉત્તરકાશી તેમજ હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કુલ્લુ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને નદીઓના જળસ્તરમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે.