Sat Jul 25 2026

Logo

લગ્નના બે વર્ષ બાદ પતિ માટે આ એક્ટ્રેસે બનાવ્યું ડિનર, પતિએ ટ્રોલ કરતાં પત્નીએ આપ્યો ચોંકાવનારો રિપ્લાય...

2026-07-25 18:16:45
Author: Darshana Visaria
Article Image

સાઉથ સિનેમાના પોપ્યુલર અને ક્યૂટ કપલ નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા અવારનવાર પોતાની ખાસ કેમેસ્ટ્રીને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે કપલની એક રમુજી સોશિયલ મીડિયા પોસ્ટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં લગ્નના આશરે બે વર્ષ પછી શોભિતા પહેલીવાર પતિ નાગા ચૈતન્ય માટે કિચનમાં રસોઈ બનાવી હતી. નાગા ચૈતન્યની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. 

નાગા ચૈતન્યએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શોભિતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેના માટે સ્પેશિયલ ડિનર બનાવતી જોવા મળી રહી છે. આ પળ નાગા માટે ખૂબ જ ખાસ હતી કારણ કે લગ્ન પછી પહેલીવાર શોભિતાએ પોતાના હાથે તેના માટે ખાવાનું બનાવ્યું હતું.

શેર કરાયેલી તસવીરમાં શોભિતા ધૂલિપાલા કેઝ્યુઅલ લુકમાં બે બાઉલ પકડીને સુંદર સ્મિત આપતી જોવા મળે છે. આ ફોટો શેર કરતાં નાગા ચૈતન્યએ મજાકીયા અંદાજમાં કેપ્શન લખ્યું હતું કે લગ્નના આશરે બે વર્ષ પછી વાઈફે મારા માટે ડિનર બનાવ્યું... લાગે છે આજે મેં કંઈક તો સારું કામ કર્યું હશે! 

પતિની આ પોસ્ટ પર શોભિતાએ પણ તુરંત જ મજેદાર રિએક્શન આપતાં કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે આ તું મારા વખાણ કરી રહ્યો છે કે પછી મને ટ્રોલ કરી રહ્યો છે? નાગા અને શોભિતા વચ્ચેની આ ક્યૂટ અને રમુજી કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ફેન્સ આ પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે.

અહીંયા તમારી જાણકારી માટે કે તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્યએ વર્ષ 2017માં સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2021માં બંનેના છૂટાછેડા (Divorce) થઈ ગયા હતા. ત્યારબાદ 2022થી નાગા અને શોભિતાના ડેટિંગના અહેવાલો આવ્યા હતા. ઓગસ્ટ 2024માં બંનેએ હૈદરાબાદમાં સગાઈ કરી હતી અને તે જ વર્ષના ડિસેમ્બરમાં ધામધૂમથી લગ્નગ્રંથિથી જોડાયા હતા.

વાત કરીએ શોભિતા અને નાગા ચૈતન્યના અપકમિંગ પ્રોજેક્ટ્સની તો શોભિતા છેલ્લે તેલુગુ ક્રાઈમ થ્રિલર સિરીઝ 'ચીકાટીલો'માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં પા. રંજિતના નિર્દેશનમાં બની રહેલી તમિલ સાયન્સ-ફિક્શન ફિલ્મ 'વેટ્ટુવમ' માં નજરે પડશે. જ્યારે નાગા ચૈતન્ય હાલ પોતાની આગામી મચ-અવેટેડ ફિલ્મ 'વૃષકર્મા' ની રીલીઝની તૈયારી કરી રહ્યો છે, જેમાં તેની સાથે મીનાક્ષી ચૌધરી, સ્પર્શ શ્રીવાસ્તવ, જયરામ અને ઝરીના વહાબ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.