Fri Sep 11 2026

Logo

કચ્છમાં ભારે વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત શરૂ: કચરાની સફાઈ કરી પાણીનો નિકાલ કરાયો

2026-07-26 10:50:17
Author: Mumbai Samachar Team
કચ્છમાં ભારે વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત શરૂ: કચરાની સફાઈ કરી પાણીનો નિકાલ કરાયો

ભુજ: કચ્છ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ અને જળભરાવ દૂર કરવાની કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. નાગરિકો માટે વાહન વ્યવહાર ઝડપથી અને સુરક્ષિત રીતે પુનઃ કાર્યરત થાય તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ તથા સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા સંયુક્તપણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

અત્યાધુનિક મશીનરી અને પૂરતા માનવબળના ઉપયોગ સાથે માર્ગોનું દુરસ્તીકરણ તેમજ વરસાદી પાણીના નિકાલને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વરસાદના કારણે સીમાવર્તી રાપર તાલુકાના આડેસર ખાતે ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત, નખત્રાણા વિસ્તારમાં વરસાદી પાણીના વહેણમાં અડચણરૂપ બનતા કચરાની સફાઈ કરી પાણીનો નિકાલ સુગમ બનાવવામાં આવ્યો હતો.

બીજી તરફ, ભારે વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલા સુવઈથી રવેચી તરફના મુખ્ય માર્ગને પુનઃ વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે પણ તબક્કાવાર સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્રના આ ત્વરિત પગલાંથી માર્ગ પરિવહન સુચારુ બનતાં રાહદારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળશે.

(ઉત્સવ વૈદ્ય)