Tue Oct 06 2026

Logo

ભુજના ધ્રબ ગામે રૂ. 64.68 લાખની સરકારી જમીન દબાણમુક્ત: તંત્રની લાલ આંખ બાદ દબાણકર્તાએ સ્વેચ્છાએ બાંધકામ હટાવ્યું

2026-07-26 10:39:44
Author: Mumbai Samachar Team
ભુજના ધ્રબ ગામે રૂ. 64.68 લાખની સરકારી જમીન દબાણમુક્ત: તંત્રની લાલ આંખ બાદ દબાણકર્તાએ સ્વેચ્છાએ બાંધકામ હટાવ્યું

ભુજ: તાલુકાના ધ્રબ ગામે આવેલી કરોડોની સરકારી કિંમતી જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ શનિવારે તંત્રની કાર્યવાહી બાદ દૂર કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી દ્વારા હાથ ધરાયેલી કાયદેસરની કડક કાર્યવાહીના પગલે દબાણકર્તાએ સ્વેચ્છાએ બાંધકામ હટાવી લેતાં, સરકારે જમીનનો પ્રત્યક્ષ કબજો પોતાના હસ્તક લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રબ ગામના સર્વે નંબર 169 પૈકીની 980 ચોરસ મીટર સરકારી જમીન પર કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી વિના વાણિજ્યિક હેતુ માટે લોખંડના પતરાની બાઉન્ડ્રી અને એક દુકાનનું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. આ મામલે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-61 હેઠળ કેસ દાખલ કરી સંબંધિત પક્ષને રજૂઆત કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. સુનાવણીના અંતે દબાણ સાબિત થતાં તેને દૂર કરવાનો આદેશ જારી કરાયો હતો.

કચ્છ કલેક્ટરના માર્ગદર્શન અને મુંદરા પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ મામલતદારની ટીમ શનિવારે સ્થળ પર પહોંચી હતી. તંત્રની કડક વલણ જોઈ દબાણકર્તાએ પોતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરી દીધું હતું, જેથી 980 ચોરસ મીટર જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત થઈ હતી. તંત્રના જણાવ્યા અનુસાર, હાલના જંત્રી દર મુજબ દબાણમુક્ત કરાયેલી આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 64.68 લાખ થાય છે.

(ઉત્સવ વૈદ્ય)