Sat Jul 25 2026

Logo

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પાછળ આખરે શું થયું હતું મંત્રાલયમાં? આખી Inside Story આવી સામે

2026-07-25 21:48:24
Author: Mumbai Samachar Team
Article Image

PTI


નવી દિલ્હીઃ નીટ પેપર લીક મામલે સરકાર સાથે વાતચીત કર્યા બાદ અને શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ CJPએ આંદોલન ખતમ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રીના રાજીનામાની માંગ પર યુવાનો અડગ હતા. આખરે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આંદોલન દરમિયાન સીજેપી સાથે થયેલી પહેલી જ બેઠકમાં સરકાર તરફથી થયેલી વાતચીત પરથી કેન્દ્રીય મંત્રીઓને સ્પષ્ટ સંકેત મળી ગયો હતો કે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વગર આંદોલન સમાપ્ત કરવું મુશ્કેલ છે. 

વડા પ્રધાન મોદીનો દ્રષ્ટિકોણ
સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એવું લાગી રહ્યું હતું કે, વિદ્યાર્થી આંદોલન એમની વ્યક્તિગત છબી પર અસર કરી શકે છે. લોકસભા ચૂંટણી 2029 પહેલા તેઓ કોઈ પણ સ્થિતિમાં એવો સંદેશ આપવા નથી માગતા કે,  કેન્દ્ર સરકારને યુવાનોની કોઈ પ્રકારની ચિંતા નથી. યુવાનો પ્રત્યે કેન્દ્ર સરકાર અસંવેદનશીલ છે. આ રણનીતિ અંતર્ગત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો નિર્ણય લેવાયો હતો. પ્રધાને શુક્રવારે મોડી રાત્રે જ સંકેત આપી દીધા હતા કે, પદ છોડવા જઈ રહ્યા છે. શનિવારે સવાર 9 વાગ્યે તેમણે પોતાનું રાજીનામું મોકલાવી દીધું હતું.રાજીનામાની જાણકારી જાહેર થાય એ પહેલા અને તે એક્સ પર પોસ્ટ મૂકે એ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે આશરે અડધો કલાક સુધી બેઠક ચાલી હતી. ખાસ વાત એ હતી કે, અમિત શાહ પોતે ધર્મેન્દ્ર પ્રધાનના સરકારી આવાસ પર પહોંચ્યા હતા. 

જવાબદારી આ મંત્રીને સોંપાઈ
શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર ઈન્ચાર્જ તરીકે પ્રહલાદ જોશીને સોંપી દેવાયો છે. સમગ્ર ઘટના ક્રમ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ આશરે ત્રણ કલાક સુધી દિલ્હીમાં રહ્યા. પાર્ટીના હાઈકમાન્ડ સાથે બંધ બારણે બેઠક કરી લીધી.કોઈ જ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમમાં હાજરી આપ્યા વગર તેઓ મુંબઈ પરત ફર્યા.આ ઘટનાએ અનેક એવી રાજકીય ચર્ચાઓને જન્મ આપી દીધો છે. બન્ને ઘટના વચ્ચે ખાસ કોઈ સત્તાવાર ક્નેક્શન નથી. દિલ્હી સિવાય પણ અન્ય રાજ્યમાં આંદોલન ફેલાય એ વાતને લઈને વડા પ્રધાન મોદીને એક ચિંતા હતી. આ રણનીતિ અંતર્ગત બે દિવસ પહેલા આંદોલન સાથે જોડાયેલા મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરી રહ્યા હતા. શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર યુદ્ધના ધોરણે નિર્ણય કરવા જાહેર કરવામાં આવ્યું. જેનાથી એક મેસેજ જાય કે, સરકાર સંવાદ કરવા અને સમાધાન માટે તૈયાર છે. 

સરકારે આ તૈયારી બતાવી
સીજેપી અને કેન્દ્રીય મંત્રીઓની પહેલી બેઠકમાં આંદોલનની ત્રણ મુખ્ય માગમાંથી બે પર સરકારે પોઝિટિવ પ્રતિક્રિયા આપી. બીજી બેઠકમાં બન્ને માગનો સિદ્ધાંતિક સ્વીકાર કરાયો.ત્રીજી માગ પર કેન્દ્રીય મંત્રીની ટીમે વિરોધ કરનારાઓને કહ્યું કે, 24 કલાકમાં વિચાર કરીને પરત આવશે. પછી જે.પી.નડ્ડા સીજેપીના નેતાઓ સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા. વાતચીત સફળ રહી. એ પછી સંયુક્ત પ્રેસ કોફરન્સ કરવામાં આવી. જેમાં આંદોલન પરત ખેંચવા માટેનું એલાન કરવામાં આવ્યું. ચર્ચા એવી થઈ રહી છે કે, આંદોલન પાછું ખેંચાય એના બે દિવસ પહેલા જ ધર્મેન્દ્ર પ્રધાનનુ રાજીનામું નક્કી હોવાનુ મનાય રહ્યું હતું.