Mon Aug 24 2026

Logo

ભારત- ચીન સરહદ વિવાદ વચ્ચે અજીત ડોભાલનો ચીન પ્રવાસ, અનેક મુદ્દે થશે ચર્ચા

2026-08-23 15:44:37
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ચીનના પ્રવાસે સોમવારે  બેઇજિંગ પહોંચશે. તેમજ મંગળવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ભારત-ચીન સરહદ વિવાદ પર વિશેષ પ્રતિનિધિ સ્તરની 25મી બેઠક યોજાશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવાના પ્રયાસો સહિતના મુદ્દાઓ પણ ચર્ચા થશે. 

ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશ સરહદ મુદ્દે વિવાદ 

ભારત અને ચીન વચ્ચેની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. તેમજ આ બેઠક એવા સમયે યોજાઇ રહી છે જ્યારે અરુણાચલ પ્રદેશમાં ચીનની કાર્યવાહી અંગે બંને દેશો વચ્ચે મતભેદ ઉભા થયા છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવે તેવી શક્યતા છે. તે પૂર્વે  આ વાટાઘાટો યોજાઇ રહી છે. 

ભારત-ચીન સરહદ વિવાદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા 

આ અંગે મળતી માહિતી મુજબ અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી
મંગળવારે 25મા રાઉન્ડના ખાસ પ્રતિનિધિ (SR) સ્તરની વાટાઘાટોમાં ભાગ લેશે. આ બંને નેતાઓ ભારત-ચીન સરહદ વિવાદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. 

સરહદ વાટાઘાટો પ્રક્રિયા માટે નિયુક્ત ખાસ પ્રતિનિધિઓ

અજિત ડોભાલ અને વાંગ યી સરહદ વાટાઘાટો પ્રક્રિયા માટે નિયુક્ત ખાસ પ્રતિનિધિઓ છે. આ પ્રક્રિયા વર્ષ 2003 માં 3,488 કિલોમીટર લાંબી ભારત-ચીન સરહદ સંબંધિત જટિલ વિવાદનો વ્યાપક ઉકેલ મેળવવા માટે શરૂ કરવામાં આવી હતી.

સરહદ વિવાદનો કાયમી ઉકેલ આવ્યો નથી

ભારત અને ચીન વચ્ચે આ પ્રક્રિયાથી સરહદ વિવાદનો કાયમી ઉકેલ આવ્યો નથી. પરંતુ  બંને દેશોના અધિકારીઓના વાટાઘાટાથી સમયાંતરે તણાવ ઓછો કરવા અને દ્વિપક્ષીય સંબંધોને લગતા મુદ્દાઓ પર સંવાદ જાળવવા માટે ઉપયોગી સાબિત થઇ છે.