Mon Aug 31 2026

Logo

FSSAI એ ભેળસેળયુક્ત ઘી શ્રધ્ધા, શ્રી સરસ અને ગોકુલ બ્રાન્ડના વેચાણ પર  પ્રતિબંધ મૂક્યો

2026-08-23 20:29:47
Author: Chandrakant Kanoja
FSSAI એ ભેળસેળયુક્ત ઘી શ્રધ્ધા, શ્રી સરસ અને ગોકુલ બ્રાન્ડના વેચાણ પર  પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી: દેશમાં ભેળસેળયુકત અને નકલી ખાધ ચીજ વસ્તુઓ પર સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ફૂડ સેફ્ટી નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ ઘી બનાવતી  બે કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. જેમાં  શ્રધ્ધા, શ્રી સરસ અને ગોકુલ બ્રાન્ડના ઘીના વેચાણ પર રોક લગાવી છે. 

દમણની SDP ઇન્ડસ્ટ્રીઝને વેચાણ બંધ કરવા આદેશ   

FSSAI એ  નવી દિલ્હી સ્થિત માર્શે રિટેલ પ્રાઇવેટ લિમિટેડનું લાઇસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જ્યારે  દમણની SDP ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને તેની તમામ પ્રકારના ઘીના વેચાણને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તપાસમાં ગંભીર ખાદ્ય સુરક્ષા ઉલ્લંઘનો 

આ અંગે ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ બંને કંપનીઓના પરિસરના નિરીક્ષણ અને ત્યાર બાદની તપાસમાં ગંભીર ખાદ્ય સુરક્ષા ઉલ્લંઘનો બહાર આવ્યા છે. જેના લીધે માર્શે રિટેલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, અને SDP ઇન્ડસ્ટ્રીઝના ઘી ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પરીક્ષણમાં  A-સિટોસ્ટેરોલ જોવા મળ્યું 

માર્શે રિટેલ નું ફૂડ બિઝનેસ લાઇસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
કંપનીને ખાદ્ય સંબંધિત તમામ વ્યવસાયિક પ્રવૃત્તિઓ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત SDP ઇન્ડસ્ટ્રીઝના ઘીના તમામ પ્રકારના વેચાણ પર આગામી આદેશો સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘીના  પરીક્ષણમાં A-સિટોસ્ટેરોલ મળી આવ્યું છે. જે ઘીમાં ભેળસેળ દર્શાવતું ઘટક છે.  ફેટી એસિડની રચના પણ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતી ન હોવાનું જાણવા મળ્યું.

તમામ પ્રકારના ઘીનું વેચાણ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ

આ ઉપરાંત  ઓથોરિટીએ SDP ઇન્ડસ્ટ્રીઝને તેના અધિકૃત પરિસરમાં ઉત્પાદિત, સંગ્રહિત અથવા વેચાતા તમામ પ્રકારના ઘીનું વેચાણ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. કંપનીને એ પણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે આ ઉત્પાદનો બજારમાં રિલીઝ ન થાય અથવા ગ્રાહકોને વેચવામાં ન આવે. આ પ્રતિબંધ આગામી આદેશો સુધી અમલમાં રહેશે.

 માર્શે રિટેલના પરિસર નિરીક્ષણમાં ઘણી ખામીઓ બહાર આવી

આ ઉપરાંત  માર્શે રિટેલના પરિસરમાં ઘણી ખામીઓ મળી હતી. જેમાં  લેઆઉટ, કાર્યકારી પ્રક્રિયાઓ, સ્વચ્છતા અને સ્ટાફની વ્યક્તિગત સ્વચ્છતા સંબંધિત ખામીઓનો સમાવેશ થાય છે. તેમજ ઘીના રખરખાવ  અને જરૂરી રેકોર્ડ જાળવવામાં પણ ખામીઓ જોવા મળી હતી.