નવી દિલ્હીઃ જાપાન ઓપનનું ઐતિહાસિક ટાઇટલ જીતનાર ભારતની બૅડમિન્ટન-સ્ટાર પી. વી. સિંધુએ કહ્યું છે કે તે કરીઅરના સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે વિરાટ કોહલી (Kohli)એ તેને મનોબળ પાછું મેળવવામાં જે મદદ કરી એ બદલ તેની તે આભારી છે. સિંધુએ જણાવ્યું, `વિરાટભાઈને હું મળી, મને થોડી સમજાવી જેનાથી મારો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો હતો.'
બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી સિંધુના મતે `અમુક વ્યક્તિઓમાંથી વિરાટભાઈ એક એવી વ્યક્તિ છે જેણે સારી રીતે સમજી લીધું હતું કે ટોચની ઍથ્લીટ તરીકે હું કેવા પ્રકારની માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી હોઈશ.'
સિંધુએ બે દિવસ પહેલાં જાપાન ઓપનમાં ઐતિહાસિક ટ્રોફી જીતીને ટાઇટલ જીતવાનો તેનો 19 મહિનાનો દુકાળ દૂર કર્યો હતો. ટોક્યોની આ ટૂર્નામેન્ટ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. આ પહેલાં તે ડિસેમ્બર, 2024માં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી હતી. એ જ મહિનામાં સિંધુએ હૈદરાબાદના ઑન્ટ્રપ્રનર વેન્કટ દત્તા સાઇ સાથે લગ્ન કર્યાં હતા.
પી. વી. સિંધુ (PV Sindhu) હવે ચાઇના માસ્ટર્સમાં રમવા ચીન ગઈ છે. સિંધુએ `એક્સ' પર જણાવ્યું છે કે `હું વિરાટભાઈની આભારી છું. હું એક પછી એક ઇજાનો શિકાર થઈ રહી હતી અને કારકિર્દીના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં વિરાટભાઈનો સંપર્ક કર્યો હતો. તેઓ બીજા જ દિવસે મારી સાથે મીટિંગ રાખવા તૈયાર થઈ ગયા હતા. તેમની સાથેની મીટિંગમાં મારા પતિ વેન્કટ પણ હાજર હતા અને વિરાટભાઈએ મને બહુ ઉપયોગી સલાહ આપી હતી, મને ખૂબ મૉટિવેટ કરી હતી. માત્ર આ વખતે જ નહીં, વિરાટભાઈ પાસે મેં જ્યારે પણ સલાહ માગી છે ત્યારે મને નિઃસંકોચે આપી છે.