મુંબઈઃ બોલીવુડ અભિનેતા અજય દેવગનને અગાઉ વિમલની જાહેરાતને લઈ એફડીએએ નોટિસ મોકલ્યા પછી હવે મુંબઈ મહાનગર પાલિકાએ બંગલાના કામકાજ મુદ્દે નોટિસ ફટકારી છે. અજય દેવગણના જુહૂ સ્થિત બંગલામાં પ્રસ્તાવિત સલૂન અને સ્પાને લઈને છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (પાલિકા)ના કે-વેસ્ટ વોર્ડે અજય દેવગનના બંગલામાં ચાલી રહેલા કામને લઈને સ્ટોપ-વર્ક નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી કપોળ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ફરિયાદ બાદ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જુહૂની કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો અજય દેવગનનો આ બંગલો લગભગ 7,802 ચોરસ ફૂટનો છે. પ્રોપર્ટી પ્લોટ S-10, એન.એસ. રોડ નંબર 11, જેવીપીફડી સ્કીમમાં આવેલી છે. બંગલાના પ્રસ્તાવિત કોમર્શિયલ ઉપયોગને લઈને સોસાયટીએ વાંધો ઉઠાવ્યો હતો. સોસાયટીના રહેવાસીઓએ ગ્રાહકોની અવરજવર વધવાની સાથે પાર્કિંગ, સુરક્ષા અને અવાજને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી.
પાલિકાના જણાવ્યા અનુસાર, કે-વેસ્ટ વોર્ડ તરફથી આ સ્થળના કમર્શિયલ ઉપયોગ માટે જરૂરી મંજૂરી આપવામાં આવી હોવાનું તેના રેકોર્ડમાં સામે આવ્યું નથી. સોસાયટીની ફરિયાદ મળ્યા બાદ પાલિકાના અધિકારીઓએ પ્રોપર્ટીના માલિકો પાસેથી સંબંધિત દસ્તાવેજો અને મંજૂરીઓ માગી હતી. જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરતા સ્ટોપ-વર્ક નોટિસ જારી કરવામાં આવી છે. અજય દેવગનના પરિવારે આ નોટિસનો જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય માગ્યો છે.
આ પ્રોપર્ટી પાંચ વર્ષ માટે ફ્લોરિયન હૂરેલ સેલોન્સ પ્રાઈવેટ લિમિટેડને લીઝ પર આપવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. 10 ઓગસ્ટના રજિસ્ટર્ડ લિવ-એન્ડ-લાઇસન્સ કરાર મુજબ પ્રથમ વર્ષે દર મહિને 16 લાખ રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ દર વર્ષે 5 ટકાનો વધારો થવાનો છે. પાંચ વર્ષના સમયગાળામાં આ કરારની અંદાજિત કુલ કિંમત 10.61 કરોડ રૂપિયા છે.
જોકે, અજય દેવગનના કેમ્પે પાલિકાની મંજૂરી અંગેના વાંધાને નકારી કાઢ્યો છે. દેવગન ગ્રુપના ચીફ લીગલ અને કમ્પ્લાયન્સ ઓફિસર રૂચિ કનોજિયાના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત ઉપયોગ માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. એટલે હાલનો મુખ્ય વિવાદ એ છે કે બંગલાનો પ્રસ્તાવિત કમર્શિયલ ઉપયોગ તમામ જરૂરી નાગરિક અને કાયદાકીય મંજૂરીઓ સાથે થઈ શકે છે કે નહીં.
સોસાયટીએ હાલ ઉપયોગ જ નહીં, પરંતુ બંગલામાં કરવામાં આવી રહેલા સ્ટ્રક્ચરલ કામકાજ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, એચવીએસી, પ્રવેશ વ્યવસ્થા, પાર્કિંગ, સાઇનેજ અને ફાયર સેફ્ટી સંબંધિત મંજૂરીઓની પણ તપાસ કરવાની માંગ કરી છે. બીજી તરફ, આ મામલે સહકારી વિભાગમાં પણ કાર્યવાહી ચાલી રહી છે. હવે અજય દેવગનનો પરિવાર પાલિકાને કયા દસ્તાવેજો રજૂ કરે છે અને આ પ્રસ્તાવિત સલૂન-સ્પા અંગે આગળ શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે.