Mon Oct 05 2026

Logo

ભારે હૈયે ગણપતિ બાપ્પાની વિદાય! મુંબઈ અને પુણે સહિત દેશભરમાં ગૂંજ્યો 'બાપ્પા મોર્યા'નો જયઘોષ; જુઓ વિસર્જન યાત્રાની ઝલક

2026-09-25 22:46:00
Author: Mumbai samachar Team
ભારે હૈયે ગણપતિ બાપ્પાની વિદાય! મુંબઈ અને પુણે સહિત દેશભરમાં ગૂંજ્યો 'બાપ્પા મોર્યા'નો જયઘોષ; જુઓ વિસર્જન યાત્રાની ઝલક

મુંબઈઃ અનંત ચતુર્દશીના પાવન અવસરે સમગ્ર દેશમાં 10 દિવસીય ગણેશોત્સવની ભક્તિભાવ અને અત્યંત ઉત્સાહપૂર્વક પૂર્ણાહુતિ થઈ છે. મુંબઈ, પુણે સહિત દેશભરના ખૂણે-ખૂણે "ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા"ના ગગનભેદી જયઘોષ સાથે વિઘ્નહર્તા દેવને જળમાં વિદાય આપવામાં આવી રહી છે. ગુલાલની છોળો, પુષ્પવૃષ્ટિ, પરંપરાગત ઢોલ-તાશાના તાલે ઝૂમતા લાખો ભક્તોની આંખોમાં આસ્થા અને વિદાય વેળાનો ભાવુક સ્નેહ સ્પષ્ટ છલકાતો જોવા મળ્યો હતો. રાહતની વાત એ હતી કે કોઈ વિના વિઘ્ને બાપ્પાની વિસર્જન થવાથી લાખો ભક્તોએ રાહત અનુભવી હતી.

મુંબઈના ગિરગાંવ ચોપાટી, દાદર અને જુહુથી લઈને દેશના તમામ મુખ્ય દરિયાકાંઠાઓ અને જળાશયો પર લાખો શ્રદ્ધાળુઓનું માનવમહેરામણ ઊમટી પડ્યું હતું. બાપ્પાની વિદાય વેળાના અદભુત રંગો અને ભાવુક પળોની ખાસ ઝલક તસવીરોમાં કેદ થઈ હતી. 

મુંબઈ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અનંતચતુર્દશીના સાંજના છ વાગ્યા સુધી કુલ 5,715 મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાંથી 198 સાર્વજનિક ગણપતિની પ્રતિમા, 5471 ઘરમાં સ્થાપિત મૂર્તિઓ અને 46 ગૌરી-હરતાલિકાની મૂર્તિઓનો સમાવેશ થાય છે. પાલિકા દ્વારા વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વિસર્જનના દિવસે કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટી નહોતી. 

સામે આવી રહેલી માહિતી અનુસાર મુંબઈમાં ગણેશવિસર્જન દરમિયાન ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટે અને શોભાયાત્રાનું સુવ્યવસ્થિત રીતે સંચાલન થાય એ માટે આખો દિવસ 24,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને પાલિકાના 25,000થી વધુ કર્મચારીઓ ખડેપગે તહેનાત રહ્યા હતા. ગણપતિ બાપ્પાની મૂર્તિઓના વિસર્જન માટે 67 જેટલા કુદરતી સ્થાન અને 383 આર્ટિફિશિયલ પોન્ડ નજીક લાઈફગાર્ડ, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ, ક્રેઇન અને અન્ય ઈમર્જન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 

'ગણપતિ બાપ્પા મોર્યા'નો ગૂંજ્યો નાદ

વિસર્જન યાત્રા દરમિયાન શહેરના રસ્તાઓ ગુલાલ અને અબીલના રંગોથી રંગાઈ ગયા હતા. ભક્તો ઢોલ-નગારા અને ડીજેના તાલે નાચતા-ગાતા બાપ્પાની મૂર્તિઓ સાથે શોભાયાત્રામાં આગળ વધી રહ્યા હતા. રહેણાંક સોસાયટીઓ અને બિલ્ડિંગો પરથી લોકોએ વિસર્જન સરઘસ પર હજારો કિલો ફૂલોની વર્ષા કરીને બાપ્પાનું સ્વાગત અને ભાવભરી વિદાય આપી હતી.

મુંબઈથી લઈને પુણે સુધી બાપ્પાનો શાહી ઠાઠ

મુંબઈના પ્રસિદ્ધ 'લાલબાગચા રાજા', 'ગણેશ ગલી' અને 'તેજુ કાયા' જેવા મોટા પંડાલોની શાહી વિસર્જન યાત્રા જોવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પુણેમાં પરંપરાગત ઢોલ-તાશા પથકના વાદન વચ્ચે 'પાંચ માના ગણપતિ'ની શાહી વિસર્જન મિરવણૂક નીકળી હતી, જેમાં હજારો યુવાનો પારંપરિક પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા.

ઈકો-ફ્રેન્ડલી વિસર્જન અને કૃત્રિમ તળાવોનો ઉપયોગ

પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને લાખો ભક્તોએ ઘર આંગણે કે સ્થાનિક તંત્ર દ્વારા ઊભા કરાયેલા કૃત્રિમ તળાવો (Artificial Ponds)માં ઈકોફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરીને પર્યાવરણ પ્રેમી સંદેશ આપ્યો હતો. સ્થાનિક પ્રશાસન, પોલીસ દળ, હોમગાર્ડ્સ અને લાઈફગાર્ડ્સની સજ્જ ટીમોએ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

ભાવુક હૈયે આવતા વર્ષે વહેલા પધારવાની પ્રાર્થના

10 દિવસ સુધી અતિથિ બનીને ઘર અને મંડપોમાં ખુશીઓ પાથરનારા ગણપતિ બાપ્પાને જ્યારે જળમાં પધરાવવામાં આવ્યા, ત્યારે અનેક ભક્તોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. ભક્તોએ વિઘ્નહર્તા દેવ સમક્ષ હાથ જોડીને સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા અને આવતા વર્ષે વહેલા પધારવા માટે ભાવપૂર્વક આગ્રહ કર્યો હતો.