Mon Oct 05 2026

Logo

એશિયન ગેમ્સમાં ગુલવીર સિંહનો જલવો! 10,000 મીટરમાં સિલ્વર જીતી રચ્યો ઈતિહાસ, કોણ છે?

2026-09-25 21:10:20
Author: Mumbai Samachar Team
એશિયન ગેમ્સમાં ગુલવીર સિંહનો જલવો! 10,000 મીટરમાં સિલ્વર જીતી રચ્યો ઈતિહાસ, કોણ છે?

DD


મુંબઈ: એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટ ગુલવીર સિંહે શાનદાર પ્રદર્શન કરતા પુરુષોની 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે. નાગોયામાં યોજાયેલી ફાઇનલમાં ગુલવીરે 28:29.38 મિનિટનો સમય નોંધાવીને બીજું સ્થાન મેળવ્યું હતું. બહેરીનના બિરહાનુ બાલેવેએ 28:27.51ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે બહેરીનના જ આલ્બર્ટ કિપ્ટોએ 28:34.18ના સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો.

ગુલવીર સિંહ માટે આ મેડલ ખાસ છે, કારણ કે 2023ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં તેમણે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચાર વર્ષ બાદ તેણે પોતાના પ્રદર્શનમાં સુધારો કરીને સિલ્વર મેડલ પર કબજો કર્યો છે. આ સાથે ગુલવીર પુરુષોની 10,000 મીટરમાં બે અલગ-અલગ એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે.

10,000 મીટરની રેસમાં ગુલવીર શરૂઆતથી જ લીડ ગ્રુપની નજીક રહ્યો હતો. રેસના અંતિમ તબક્કામાં પણ તેણે પોતાની સ્થિતિ જાળવી રાખી અને છેલ્લાં લેપ્સમાં ગતિ વધારીને સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો. તે ગોલ્ડ મેડલ વિજેતા બાલેવેથી માત્ર 1.87 સેકન્ડ પાછળ રહ્યો હતો.

ગુલવીર સિંહે પોતાની જીત બાદ જણાવ્યું કે એશિયન ગેમ્સ જેવી ચેમ્પિયનશિપમાં ટાઇમ કરતાં રેસની વ્યૂહરચના પર ધ્યાન આપવું મહત્વનું હતું. તેણે કહ્યું કે તેનો પ્લાન શરૂઆતમાં શાંત રહેવાનો, લીડ ગ્રુપ સાથે રહેવાનો અને યોગ્ય સમયે પોતાની વ્યૂહરચના અમલમાં મુકવાનો હતો. કોચ સાથે બનાવેલા રેસ પ્લાન પર વિશ્વાસ રાખવાથી તેને સફળતા મળી હોવાનું તેણે જણાવ્યું હતું.

ગુલવીર માટે 2026નું વર્ષ પણ ખાસ રહ્યું છે. આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં તેણે 10,000 મીટરમાં સિલ્વર અને 5,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેણે 5,000 અને 10,000 મીટર બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુલવીરના નામે 5,000 મીટર, 10,000 મીટર, એક માઈલ અને હાફ મેરેથોનના ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુલવીર સિંહ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે સેવા આપે છે. એશિયન ગેમ્સમાં મળેલા સિલ્વર મેડલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિ અપાવી છે. ગુલવીર સિંહની કારકિર્દીની વાત કરીએ તો 2022થી ફેડરેશન કપથી શરુ થઈ, જ્યાં તેમણે 10,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જે જીતથી તેમને રાષ્ટ્રીય ઓળખ મળી ત્યાર બાદ 2023માં એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.