મુંબઈઃ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજાના લગ્નજીવનને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન ગોવિંદાની કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકાર સાથેના તેમના સંબંધોની અફવાઓએ પણ જોર પકડ્યું છે. હવે સુનીતા આહુજા આ મામલે ફરી નવા નિવેદનો આપ્યા છે. ભુવનેશ્વરમાં કાલી માતાના દર્શન કરવા પહોંચેલી સુનીતાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન 'જેન ઝી' અને મહિલાઓને તેમનું સમર્થન આપવાની અપીલ કરી છે.
સુનીતાએ ભુવનેશ્વરમાં કહ્યું કે તે કાલી માતાના દર્શન કરવા ગઈ હતી અને પોતાના જીવનમાં ચાલી રહેલા સંકટમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી. તેણે જણાવ્યું હતું કે મહાકાલી માતા રાક્ષસોનો નાશ કરનારી દેવી છે અને તેમના જીવનમાં પણ જે મુશ્કેલીઓ છે, તેનો અંત આવે તેવી તેઓ પ્રાર્થના કરવા આવી છે. સુનીતાએ પોતાના નિવેદનમાં કોઈનું નામ લીધું નહોતું, પરંતુ તેમનું નિવેદન ગોવિંદા અને કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોડવામાં આવી રહ્યું છે.
સુનીતાએ જેન ઝી અને મહિલાઓને ખાસ અપીલ કરતા કહ્યું કે તેઓ આ પ્રકારની બાબતોને પ્રોત્સાહન આપે નહીં. તેણે કહ્યું કે જો કોઈના પોતાના ઘરની દીકરી કે વહુને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તો તેઓ શું કરશે? સુનીતાએ કહ્યું કે તેમની સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી અને તેમનું ઘર તૂટી રહ્યું છે. સાથે જ તેમણે મીડિયા અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાને વધુ આગળ નહીં વધારવાની અપીલ કરી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ગોવિંદા અને કોમલ રાણી સ્વર્ણકારના સાથે દેખાવા બાદ થઈ હતી. 22 સપ્ટેમ્બરે ગોવિંદા મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન માટે કોમલ રાણી સાથે પહોંચ્યા હતા. ખાસ વાત એ હતી કે સુનીતા આહુજા પણ એ જ દિવસે અગાઉ એકલી લાલબાગચા રાજાના દર્શન કરી ચૂકી હતી ત્યાર બાદ બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને ગોવિંદા-કોમલના સંબંધોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ.
જોકે ગોવિંદાએ આ અફવાઓને લઈને પોતાનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. તેણે કહ્યું કે કોમલ તેમની કો-એક્ટ્રેસ છે અને લાંબા સમય બાદ ફિલ્મી કામ ફરી શરૂ કરી રહ્યા હોવાથી તેણે તેમની સાથે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા.
ગોવિંદાએ આ મુલાકાતને ‘ગુડ લક’ સાથે પણ જોડી હતી અને કહ્યું હતું કે અગાઉ કરિશ્મા કપૂર તથા રવીના ટંડન સાથે દર્શન કર્યા બાદ તેમની ફિલ્મો હિટ થઈ હતી. તેણે આ સમગ્ર અહેવાલોને પરિવારથી દૂર કરવા અને પોતાની છબિ ખરાબ કરવા માટે કાવતરું રચાયું હોવાનો દાવો પણ કર્યો છે.
ગોવિંદા અને કોમલ રાણી સ્વર્ણકારના સંબંધોની વાત હજુ અફવાઓ અને અટકળોના સ્તરે છે. બંનેએ જાહેરમાં પોતાના સંબંધને રોમેન્ટિક ગણાવીને પુષ્ટિ કરી નથી. કોમલ ગોવિંદાની આગામી ફિલ્મ ‘રૂપા’માં તેમની સાથે જોવા મળશે. બીજી તરફ સુનીતા આહુજાના નવા નિવેદન બાદ આ પારિવારિક વિવાદે ફરીથી બોલીવુડમાં ચર્ચા જગાવી છે.