Sat Sep 12 2026

Logo

'દરેક મુસ્લિમ ધાર્મિક સંસ્થાને વક્ફ બોર્ડ પોતાની મિલકત ન માની શકે', મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો

2026-06-10 13:26:00
Author: Mumbai Samachar Team
'દરેક મુસ્લિમ ધાર્મિક સંસ્થાને વક્ફ બોર્ડ પોતાની મિલકત ન માની શકે', મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો

Image Credit : Lawstreet Journal


નવી દિલ્હીઃ મદ્રાસ હાઈકોર્ટે વક્ફ મિલકતોને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, કોઈપણ મુસ્લિમ ધાર્મિક સંસ્થાને તેના ધાર્મિક સ્વરૂપના આધારે જ વક્ફ બોર્ડ પોતાની મિલકત માની શકે નહીં. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, આવી કોઈપણ મિલકત પર વક્ફ બોર્ડનો અધિકાર ત્યારે જ ગણાશે જ્યારે સરકારી જાહેરનામા (Notification) મુજબ તે મિલકતની રજિસ્ટ્રી બોર્ડના નામે કરવામાં આવી હોય. અદાલતે આ ચુકાદો ચેન્નઈના ટ્રિપ્લિકેન વિસ્તારની એક દરગાહ સાથે જોડાયેલા કેસમાં આપ્યો છે.

તામિલનાડુ વક્ફ બોર્ડે ચેન્નઈની આ દરગાહને પોતાના લેવલે જ એક પ્રસ્તાવ પસાર કરીને વક્ફના નામે કરી દીધી હતી. આ બાબતે સંબંધિત પક્ષે મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જેના જવાબમાં કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે.

સત્તાવાર રીતે વક્ફની મિલકત નહોતી દરગાહ

આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જે મિલકત (દરગાહ) અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તે સત્તાવાર રીતે વક્ફની મિલકત તરીકે નોંધાયેલી (રજિસ્ટર) નથી. વક્ફ અધિનિયમ (એક્ટ) હેઠળ આ દરગાહનો કોઈ સર્વે પણ કરવામાં આવ્યો નહોતો. જ્યારે દરગાહની મિલકત કોઈ પણ રીતે વક્ફ બોર્ડના નામે જ નથી, ત્યારે માત્ર પોતાના સ્તરે એક પ્રસ્તાવ પસાર કરીને તેના પર પોતાનો હક જમાવી શકાય નહીં.

કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું ખૂબ જ જરૂરી

હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, વક્ફ બોર્ડ માટે કોઈપણ મિલકત પર પોતાનો દાવો કે અધિકાર સાબિત કરવા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એવું નથી કે કોઈપણ દરગાહ કે મસ્જિદ આપોઆપ જ વક્ફની મિલકત બની જશે. આવા દરેક મામલામાં જરૂરી દસ્તાવેજોના આધારે એ સ્પષ્ટ થવું જોઈએ કે મિલકત વક્ફની જ છે અને આ બધી બાબતો માટે પ્રોપર રજિસ્ટ્રેશન (નોંધણી) હોવું અનિવાર્ય છે.

ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે આ ચુકાદો

વક્ફ મિલકતો પર મદ્રાસ હાઈકોર્ટનો આ ચુકાદો વક્ફ સાથે જોડાયેલી મિલકતોના અન્ય મામલાઓમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ ચુકાદાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોઈપણ મુસ્લિમ ધાર્મિક સંસ્થાને વક્ફ બોર્ડ પોતાની મિલકત માની શકે નહીં. તેના માટે નક્કી કરાયેલી કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું અનિવાર્ય રહેશે.