અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને પગલે હવે જનજીવન પર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર હિતમાં એક અગત્યની હેલ્થ એડવાઇઝરી જારી કરવામાં આવી છે, જેમાં નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
પીવાના પાણીનો સરખી રીતે ઉકાળીને ઉપયોગ કરો
આરોગ્ય વિભાગે ખાસ સૂચના આપી છે કે, પૂરના પાણી પાઇપલાઇનમાં ભળી જવાથી પીવાનું પાણી દૂષિત થવાની શક્યતા વધી જાય છે. આથી, પીવાના પાણીને 15 થી 20 મિનિટ સુધી સરખી રીતે ઉકાળીને અથવા તો તેમાં ક્લોરિનની ગોળીઓ ઉમેરીને જ ઉપયોગમાં લેવું. આ ઉપરાંત વરસાદી પાણી કે ભેજના સંપર્કમાં આવેલા ખોરાક, ઉઘાડા શાકભાજી કે અનાજનો વપરાશ ટાળવો જોઈએ.
આ સાથે જે વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસર્યા છે, ત્યાં ઘરોની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવાની સૂચના અપાઈ છે. ઘરો અને આસપાસના પરિસરમાં બ્લીચિંગ પાવડર અથવા ફિનાઇલનો ઉપયોગ કરીને સફાઈ કરવી તથા પાણીની ટાંકીઓને ફરીથી વાપરતા પહેલા યોગ્ય રીતે સેનિટાઇઝ કરવી જરૂરી છે. ફૂગ કે બેક્ટેરિયાના ઉપદ્રવથી બચવા માટે પૂરના પાણીમાં પલળીને બગડી ગયેલા ગાદલાં અને કાગળના સામાનનો તાત્કાલિક નિકાલ કરવો.
ગંભીર રોગોથી બચવા માટે તંત્રએ શું અપીલ કરી?
ચોમાસામાં લેપ્ટોસ્પાઇરોસિસ અને ત્વચાના ચેપ જેવા ગંભીર રોગોથી બચવા માટે દૂષિત પાણીમાં પગ મૂકવાનું ટાળવા માટે, અનિવાર્ય સંજોગોમાં વોટરપ્રૂફ કે યોગ્ય પગરખાં પહેરવા અને ખુલ્લા ઘા કે વાગેલા ભાગને દૂષિત પાણીથી દૂર રાખવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે ઘરોની આસપાસ પાણી ભરાઈ ન રહે તે જોવું, આખી બાંયના કપડાં પહેરવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો માટે પણ કહેવામાં આવ્યું છે.
જો કોઈ વ્યક્તિને તાવ, ઉલટી, ઝાડા, સ્નાયુઓમાં અતિશય દુખાવો કે ચામડી પર ચટ્ટા જેવા લક્ષણો દેખાય, તો તુરંત જ સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી તબીબી સારવાર મેળવવી અને તંત્ર દ્વારા અપવામાં આવતા ORS પેકેટનો ઉપયોગ કરવો માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.