Sat Sep 12 2026

Logo

કચ્છમાં દશામા વ્રતનો વધતો મહિમા: ઝૂંપડપટ્ટીથી લઈને નગરો સુધી શ્રદ્ધાનું પૂર, મોંઘવારી છતાં ભક્તિ અપાર

2026-07-27 13:30:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં દશામા વ્રતનો વધતો મહિમા: ઝૂંપડપટ્ટીથી લઈને નગરો સુધી શ્રદ્ધાનું પૂર, મોંઘવારી છતાં ભક્તિ અપાર

અષાઢ વદ અમાસ (દીવાસા) થી 10 દિવસીય વ્રતનો થશે પ્રારંભ: 2026માં 12 ઓગસ્ટથી દશામાના વ્રતનો મંગલ પ્રારંભ થશે

ભુજ: ભાતીગળ પ્રદેશ કચ્છમાં દશામા વ્રતનો મહિમા હવે માત્ર મંદિરો કે સમૃદ્ધ ઘરો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ઝૂંપડપટ્ટી વિસ્તારો અને ગામડાઓમાં પણ બહેનો મોટી સંખ્યામાં દસ દિવસ સુધી કઠોર ઉપવાસ, ભજન-કીર્તન અને કથા શ્રવણ સાથે આ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરે છે.

છેલ્લાં પાંચ-સાત વર્ષોમાં કચ્છના ગ્રામીણ અને શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સામૂહિક મૂર્તિ સ્થાપના અને રાતજગાના આયોજનો વધતાં આ વ્રત પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ બની છે.

દશામા વ્રત પાછળનો ઈતિહાસ પૌરાણિક કથાઓ સાથે ઊંડો જોડાયેલો છે. એક લોકમાન્યતા મુજબ, ગુજરાતના રાજા વિજયસિંહે શરૂઆતમાં રાણી રૂપમતીને દશામાની પૂજા કરતા અટકાવ્યા હતા. જેના પરિણામે દેવીના કોપથી રાજ્ય પર સંકટ આવ્યું અને રાજા બંદી બન્યા. ત્યારબાદ રાજાએ ભક્તિભાવથી વ્રત કરી પોતાનું રાજપાટ પુનઃ પ્રાપ્ત કર્યું હતું. અન્ય એક પ્રચલિત કથા રાજા નલ અને રાણી દમયંતી સાથે સંકળાયેલી છે, જેમાં વ્રતના સાત દોરાનું અનાદર થતાં રાજાની દશા બગડી હતી અને બાદમાં વ્રત કરવાથી પરિસ્થિતિ સુધરી હતી. આ કારણે ભક્તો દ્રઢપણે માને છે કે દશામા ભક્તોની 'દશા' સુધારીને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

આ વ્રત મુખ્યત્વે ગુજરાત અને ખાસ કરીને દીવમાં 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવાય છે. અષાઢ વદ અમાસ એટલે કે દીવાસાથી શરૂ થઈને દસ દિવસ સુધી ચાલતું આ વ્રત કેટલાક ભક્તો ચૈત્ર માસમાં પણ કરે છે. મહારાષ્ટ્રમાં કેટલાક સમુદાયોની કુમારિકાઓ અને પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત રાખે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સ્થિત દશામા મંદિરે યોજાતા 'બહેનોના મેળા'માં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં મહિલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.

છેલ્લાં 5 વર્ષમાં કચ્છના બજારમાં પૂજન સામગ્રીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ માટીની મૂર્તિ અને થાળ-શણગારમાં 40% નો ભાવ વધારો, ધૂપ, દીપ અને અગરબત્તીમાં 35% નો વધારો, ફૂલ અને હારના ભાવોમાં 30% નો વધારો, હળદર, કંકુ, અબીલ-ગુલાલમાં 25 થી 30% નો વધારો, નાળિયેર અને પ્રસાદી સામગ્રીમાં 25% નો વધારો તેમજ કાચા સૂતનો ડોરો (દોર)માં 20% નો વધારો થયો છે.

પરિવહન ખર્ચ અને કાચા માલની મોંઘવારીના કારણે ભાવો વધ્યા હોવા છતાં, શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

વર્ષ 2026માં ગુજરાતભરમાં દશામા વ્રતનો પ્રારંભ આગામી 12 ઓગસ્ટથી થશે. દસ દિવસ સુધી પૂજા-અર્ચના અને ઉપવાસ કર્યા બાદ દસમા દિવસે રાત્રે જાગરણ કરી વ્રતની પૂર્ણતા કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તિભાવપૂર્વક મૂર્તિઓનું વિસર્જન કરાશે. ભક્તો માટે આ દસ દિવસ પરિવારની શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થનાનું પવિત્ર પર્વ બની રહેશે.

(ઉત્સવ વૈદ્ય)

વધુ જુઓ...