પાલીતાણાઃ રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન હૉસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્થળ પર પાણીની ટાંકીનું કામ થયેલું ન હોવા છતાં તેનું બિલ ₹ 50.43 લાખનું મંજૂર કરવા વડી કચેરીમાં રજૂ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ ગંભીર બેદરકારીના પગલે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બિલ મંજૂર કરાવવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર નોંધ લેતા આરોગ્ય પ્રધાને બિલ રજૂ કરનાર મેહુલ દવે (ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર),એન.વી. કાલીયા (નાયબ કાર્યપાલક ઈજનેર) સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સ્પષ્ટ સૂચના આપી હતી.
આ સમગ્ર મામલામાં સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા તેમજ ફરજમાં બેદરકારી બદલ બે સંબંધિત ઈજનેરો સામે ફરજમુકતની કાર્યવાહી કરવા પણ આરોગ્ય મંત્રીશ્રીએ PIUના અધિકારીઓને આદેશ આપ્યો હતો.
આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી આરોગ્યલક્ષી વિકાસકાર્યોમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.